તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th February 2026
મુંદરાના ચકચારી કસ્ટોડીયલ ડેથ પ્રકરણમાં ત્રણ આરોપીઓની સી.સી.ટી.વી. ફુટેજની માગણી અદાલતે ફગાવી દીધી
બે યુવકોના મોતના મામલે તત્કાલિન પોલીસ ઇન્સ્પેકટર સહિત પાંચ પોલીસકર્મી અને સમાઘોઘાના પૂર્વ સરપંચ સહિત દસ આરોપીની કરી હતી ધરપકડ

રાજકોટ, તા.૭: રાજ્યભરમાં ચકચાર મચાવનાર કચ્છ જિલ્લાના મુંદરાના પોલીસ મથકના જાન્યુઆરી ૨૦૨૧ના કસ્ટોડિયલ ડેથ કેસના દસ પૈકી ત્રણ આરોપીઓ દ્વારા સી.સી.ટી.વી. ફુટેજ મેળવવાની માગણી બાબતે હાઈકોર્ટ સમક્ષ કરાયેલી પીટીશનના નિકાલ સુધી કેસ ન ચલાવવા મુકેલી માગણીની અરજી સેશન્સ અદાલતે કારણો સાથે બીજી વાર નામંજૂર કરતો આદેશ આપ્યો હતો અને ત્રણ આરોપીઓ આ મુદ્દાને આગળ ધરીને વારંવાર કેસની સુનાવણી આગળ વધતી રોકવાનો ઈરાદો ધરાવતા હોવાનું અદાલતે નોંધ્યું હતું પ્રાપ્ત વિગતો મુજબ,ગત જાન્યુઆરી ૨૦૨૧માં ઘરફોડ ચોરીના કથિત ગુનામાં મુંદરા પોલીસે ત્રણ ગઢવી યુવકોને ઉઠાવી, પોલીસ મથકમાં ગોંધી રાખીને અમાનુષી અત્યાચાર ગુજારતાં બે યુવકોના મોત થયાં હતાં, એકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ચકચારી મામલે તત્કાલિન પોલીસ ઇન્સ્પેકટર પઢિયાર સહિત પાંચ પોલીસ કર્મી, ગ્રામ રક્ષક દળના બે જવાનો અને સમાઘોઘાના પૂર્વ સરપંચ સહિત દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસના મુખ્ય આરોપીઓ પૈકીના પોલીસ કર્મી. શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ, અશોક લીલાધર કનાદ અને જયદેવસિંહ અજિતસિંહ ઝાલા દ્વારા ભુજ ચીફ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે સમક્ષ તા. ૨૦-૧-૨૦૨૧ના મુંદરા પોલીસ મથકના સી.સી.ટી.વી. ફુટેજ આપવાની માગણીની અરજીઓ નામંજૂર કરાયા પછી તેમણે ફરી હાઈકોર્ટ સમક્ષ આ બાબતે પીટીશન દાખલ કરી હતી અને તેનો નિકાલ ન આવે ત્યાં સુધી કેસ ન ચલાવવા સેશન્સ કોર્ટ સમક્ષ દાખલ કરેલી અરજીને બીજી વખત નામંજૂર કરવામાં આવી હતી. જિલ્લા અદાલતે નોંધ્યું હતું કે, ત્રણેય આરોપીઓ પૂર્ણતા તરફ આગળ ધપી રહેલા આ કેસને લંબાવવાના બદઈરાદા સાથે આ પ્રકારની અરજીઓ કરી રહ્યા છે, આ સુનાવણીમાં ખુદ આરોપીઓ પૈકીના સમાઘોઘા ગામના માજી સરપંચ જયવીરસિંહ વિક્રમસિંહ જાડેજાએ પણ આ ત્રણેયની અરજી સામે લેખિતમાં વાંધા લીધા હતા. સીસીટીવી ફૂટેજની માગણી સહિતના અવનવા કારણોસર થતી રહેલી અરજીઓ અન્વયે છેલ્લા છ મહિનાથી આ ચર્ચાસ્પદ કિસ્સાની સુનાવણી આગળ વધતી રોકાઈ ગઈ હતી, ગુજરાત હાઈકોર્ટે ફરી એક વાર વિગતવારના કારણોસર આ માગણીને નકારી કાઢતાં કેસની સુનાવણીની કામગીરી હવે ઝડપી બને તેવા સ્પષ્ટ એંધાણ જોવા મળી રહ્યા છે. આ કેસમાં સરકાર પક્ષે સ્પેશિયલ પીપી સૌરાષ્ટ્રના ખ્યાતનામ ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈ રોકાયા છે.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
