તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
અરજદારોની રજૂઆતોના નિકાલ માટે ગૃહ વિભાગનો મોટો નિર્ણય : ઉચ્ચ પોલીસ અધિકારીઓ દર મહિને બે દિવસ જે-તે જિલ્લાના પોલીસ સ્ટેશનોની રૂબરૂ મુલાકાત લેશે
મુખ્યમંત્રી કાર્યાલય અને સ્વાગત પ્રોગ્રામની અરજીઓની ચકાસણી માટે ૩૫ અધિકારીઓને જિલ્લાઓની ફાળવણી : બદલી થાય તો પણ સોંપાયેલી કામગીરી ચાલુ રાખવા આદેશ : ૧૦ થી ૧૫ અરજદારોનો રૂબરૂ સંપર્ક કરી સ્થિતિનો તાગ મેળવવો પડશે

ગાંધીનગર : ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનોમાં આવતા અરજદારોની રજૂઆતોનું યોગ્ય અને સમયસર નિરાકરણ લાવવા માટે એક મહત્વપૂર્ણ હુકમ બહાર પાડવામાં આવ્યો છે. અગ્ર સચિવ નિપુણા તોરવણેની સહીથી બહાર પડેલા આ આદેશ મુજબ, નિર્દિષ્ટ કરવામાં આવેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તેમને ફાળવવામાં આવેલા જિલ્લાઓની વર્ષ દરમિયાન દર મહિને બે દિવસ મુલાકાત લેવાની રહેશે. આ મુલાકાત દરમિયાન અધિકારીઓએ પોલીસ સ્ટેશન, એસ.ડી.પી.ઓ. કચેરી અને પોલીસ અધીક્ષકની કચેરીની રૂબરૂ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવાની રહેશે.
કામગીરીની રૂપરેખા અને જવાબદારી:
ગૃહ વિભાગના આદેશ મુજબ, સંબંધિત અધિકારીએ માસના પ્રથમ અઠવાડિયામાં પોતાનો ટુર પ્રોગ્રામ તૈયાર કરી સંબંધિત એકમને મોકલવાનો રહેશે. બીજા અને ત્રીજા અઠવાડિયામાં મુલાકાત પૂર્ણ કરી, કરેલી કાર્યવાહીનો અહેવાલ ચોથા અઠવાડિયામાં ગૃહ વિભાગ અને પોલીસ મહાનિદેશકની કચેરીએ મોકલવાનો રહેશે. અધિકારીઓને સૂચના અપાઈ છે કે તેઓ વર્ષ દરમિયાન જિલ્લાના મહત્તમ પોલીસ સ્ટેશનો આવરી લે અને એક જ પોલીસ સ્ટેશનની વારંવાર મુલાકાત ન લે. ખાસ કરીને જો અધિકારીની બદલી થાય, તો પણ તેમણે સોંપવામાં આવેલી આ જવાબદારી નિભાવવાની રહેશે.
અરજીઓના નિકાલ પર વિશેષ ધ્યાન:
મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલયના સંદર્ભો જેવા કે PG પોર્ટલ, સ્વાગત ૨.૦, MP-MLA રેફરન્સ તેમજ ગૃહ વિભાગ અને પોલીસ મહાનિદેશકની કચેરી તરફથી મળેલી અરજીઓનું સમયમર્યાદામાં નિરાકરણ આવ્યું છે કે કેમ તેની તપાસ કરવાની રહેશે. દફતરે થયેલી અરજીઓ પૈકી ૧૦ થી ૧૫ અરજદારોનો રૂબરૂ સંપર્ક કરી, તેમની અરજી ખરેખર દફતરે કરવા લાયક હતી કે કેમ તેની ચકાસણી કરવાની જવાબદારી પણ સોંપાઈ છે.
અધિકારીઓ અને ફાળવવામાં આવેલા જિલ્લાઓની યાદી:
* અમદાવાદ રેન્જ: દીપક મેઘાણી (અમદાવાદ ગ્રામ્ય), સુજાતા મજમુદાર (આણંદ), નિર્લિપ્ત રાય (ખેડા-નડિયાદ).
* ગાંધીનગર રેન્જ: ખુરશીદ અહેમદ (ગાંધીનગર), પરીક્ષીતા રાઠોડ (મહેસાણા), ગગનદીપ ગંભીર (સાબરકાંઠા), વિશાલકુમાર વાઘેલા (અરવલ્લી).
* વડોદરા રેન્જ: નિર્લિપ્ત રાય (વડોદરા ગ્રામ્ય), સરોજ કુમારી (છોટાઉદેપુર), આર.વી. ચુડાસમા (ભરૂચ), સુધા પાંડે (નર્મદા).
* ગોધરા રેન્જ: સુધા પાંડે (પંચમહાલ-ગોધરા), જી.એ. પંડ્યા (મહિસાગર), વિશાલકુમાર વાઘેલા (દાહોદ).
* સુરત રેન્જ: આર.ટી. સુશરા (સુરત ગ્રામ્ય), સુધીર દેસાઇ (તાપી), પી.એલ. માલ (વલસાડ), આર.વી. ચુડાસમા (નવસારી), સરોજ કુમારી (ડાંગ).
* રાજકોટ રેન્જ: મનોજ નીનામા (રાજકોટ ગ્રામ્ય), જી.એ. પંડ્યા (મોરબી), ચૈતન્ય માંડલિક (સુરેન્દ્રનગર), આર.પી. બારોટ (જામનગર), પી.એલ. માલ (દેવભૂમિ દ્વારકા).
* જૂનાગઢ રેન્જ: તરૂણ કુમાર દુગ્ગલ (જૂનાગઢ), આર.પી. બારોટ (ગીર સોમનાથ), હિતેશ જોયશર (પોરબંદર).
* ભાવનગર રેન્જ: હિતેશ જોયશર (ભાવનગર), તરૂણ કુમાર દુગ્ગલ (બોટાદ), આર.ટી. સુશરા (અમરેલી).
* બોર્ડર રેન્જ: અજય ચૌધરી (પશ્ચિમ કચ્છ-ભુજ અને પૂર્વ કચ્છ-ગાંધીધામ), ચૈતન્ય માંડલિક (બનાસકાંઠા), સુધીર દેસાઇ (પાટણ), મનોજ નીનામા (વાવ-થરાદ).
પોલીસ મહાનિદેશક આ તમામ અહેવાલોની ચકાસણી કરી પોતાના રિમાર્કસ સાથે સંયુક્ત અહેવાલ ગૃહ વિભાગને પાઠવશે. આ ઉપરાંત રેન્જ આઈ.જી., પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓએ પણ પોતાના કાર્યક્ષેત્રમાં દર મહિને સમાન પ્રકારની કાર્યવાહી કરવાની રહેશે.
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
