<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

અમદાવાદમાં ફરી સ્ટેટ મોનિટરિંગ સેલે સપાટો બોલાવ્યો:કેમિકલ કટિંગનું મોટુ નેટવર્ક પકડી પાડ્યું: છ આરોપીઓને ઝડપી લેવાયા

દાણીલીમડા ટ્રાન્સપોર્ટનગર દરોડા પાડી 35.50 લાખનાં 4 વાહનો, 7 મોબાઈલ, 36,800 રોકડ સહિત કુલ 98.21 લાખનાં મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદ શહેરમાં ફરી એક વાર સ્ટેટ મોનિટરિંગ સેલે સપાટો બોલાવ્યો છે, આ વખતે દારૂ, જુગાર, ડ્રગ્સ નહી પરંતુ કેમિકલ કટિંગનું મોટુ નેટવર્ક પકડી પાડ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલનાં પીઆઈ એ.જે ચૌહાણ અને ટીમને મળેલા ઈનપુટનાં આધારે દાણીલીમડા ટ્રાન્સપોર્ટનગરમાં ખુલ્લા પ્લોટમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી મોટી સંખ્યામાં કેમિકલનો જથ્થો પકડી પાડ્યો હતો અને આ નેટવર્ક સાથે જોડાયેલા 6 શખ્સોને પકડી પાડ્યા હતા.

સ્ટેટ મોનિટરિંગ સેલે દાણીલીમડા ટ્રાન્સપોર્ટનગર દરોડા પાડતા કેમિકલનાં ટેન્કરમાંથી કેમિકલ ચોરીનું નેટવર્ક ઝડપી પાડ્યુ હતું. દરોડા પાડતા ત્યાંથી 61.69 લાખની કિંમતનું 53,020 કિલો કેમિકલ મળી આવ્યું, તેની સાથે 35.50 લાખનાં 4 વાહનો, 7 મોબાઈલ, 36,800 રોકડ સહિત કુલ 98.21 લાખનાં મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડતા ત્યાંથી શોએબ શેખ, ઈશાક પઠાણ, ભરત ધોબી, રાજુ પ્રસાદ, જીતેન્દ્ર યાદવ, લધુરામ બિશ્નોઈની ધરપકડ કરી છે, જોકે આ નેટવર્કનાં તાર અન્ય શહેર સુધી પહોંચેલા હોવાથી ગુનામાં સામેલ અન્ય આરોપીઓ જેમાં શાહઆલમનો અશ્પાક શેખ, સોલાનો પ્રકાશ પટેલ, વાપીનો દિનેશ અને હનીફ તીંબાલિયા ફરાર નામનાં આરોપી ફરાર છે.

પકડાયેલા આરોપીઓમાં શાહઆલમનો શોએબ શેખ કેમિકલ ચોરી કેસનો માસ્ટર માઈન્ડ અને મુખ્ય આરોપી છે, જ્યારે દાણીલીમડાનો ઈશાક પઠાણ તેનો મેનેજર છે, અન્ય આરોપીઓમાં દાણીલીમડાનો ભરત ડાભી અને રાજુ પ્રસાદ મજૂર છે. અન્ય બે આરોપીઓમાં મહારાષ્ટ્રનો જીતેન્દ્ર યાદવ અને રાજસ્થાનનો લધુરામ બિશ્નોઈ ટેન્કરનાં ડ્રાઈવર છે. 

સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપેલા ટેન્કરમાંથી મળી આવેલુ કેમિકલ એનાલીન, ફિનોલ, એસ્ટોન હોવાનું જાણવા મળ્યું છે. આ કેમિકલનો ઉપયોગ મુખ્યત્વે ફર્નીચરને પોલીશ કરવા તેમજ કપડાની ડાઈ કરવામાં થાય છે. બન્ને ટેન્કર ચાલક કંડલાથી આ કેમિકલ ભરીને લાવતા અને અન્ય શહેરમાં લઈ જતા હતા. જે સમયે અમદાવાદનાં દાણીલીમડામાં ટેન્કરમાંથી કેમિકલ ચોરીનું નેટવર્ક ચાલતુ હતું.

આ આરોપીઓ ભેગા મળીને છેલ્લાં 2 મહિનાથી આખુ નેટવર્ક ચલાવતા હતા, મુખ્ય આરોપી શોએબ ટ્રક ડ્રાઈવરોને 7 થી 8 હજાર રૂપિયા આપતો હતો, અને પોતે 15 હજાર રૂપિયે લીટર કેમિકલ ફરાર આરોપીઓને વેચતો હતો. મહત્વનું છે કે આ આરોપીઓ અગાઉ પણ આ રીતે કેમિકલ ચોરી કરીને બારોબાર વેચી ચુક્યા છે. તેવામાં આ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી કડક કાર્યવાહી કરતા સ્થાનિક પોલીસ અંધારામાં રહી ગઈ છે

(8:39 PM IST)