તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th February 2026
સુરતમાં કારના નકલી સ્પેરપાર્ટ્સનું મોટું કૌભાંડ ઝડપાયું: ત્રણ આરોપીની ઘરપકડ :18 લાખથી વધુનો મુદામાલ જપ્ત
સરથાણા વિસ્તારમાં સ્વાગત સોસાયટીમાં 'મધર ઓટો એજન્સી' નામના મકાનમાં ડુપ્લીકેટ સ્પેરપાર્ટ્સનો કાળો કારોબાર :મારુતિ-હ્યુન્ડાઈ, ફોક્સવેગનના નામે ડુપ્લીકેટ માલ વેચાણ કરતા હતા

સુરત શહેરમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે ડુપ્લીકેટ ચીજવસ્તુઓ વેચતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ઝોન-1 LCB અને સરથાણા પોલીસની ટીમે બાતમીના આધારે સરથાણા વિસ્તારમાં દરોડો પાડી મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ જેવી નામી કંપનીઓના નકલી સ્પેરપાર્ટ્સનું ગોડાઉન ઝડપ્યું છે
પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર આલોક કુમારની સૂચના મુજબ ઝોન-1 LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ અને કરણસિંહને સચોટ બાતમી મળી હતી કે સરથાણા સ્વાગત BRTS બસ સ્ટેશનની સામે આવેલી સ્વાગત સોસાયટીમાં 'મધર ઓટો એજન્સી' નામના મકાનમાં ડુપ્લીકેટ સ્પેરપાર્ટ્સનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. પોલીસે મકાન નં- 73, 74 અને 56 પર દરોડો પાડતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પકડાયેલા આરોપીઓ બ્રાન્ડેડ કંપનીઓના લોગો અને પેકિંગનો ઉપયોગ કરી ડુપ્લીકેટ સ્પેરપાર્ટ્સ અસલી તરીકે પધરાવી દેતા હતા. પોલીસે સ્થળ પરથી 18,27,609ની કિંમતના ડુપ્લીકેટ સ્પેરપાર્ટ્સ અને 50,000ની કિંમતના મોબાઈલ ફોન મળી કુલ 18,77,609નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે સરથાણા પોલીસે જાણવાજોગ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ઝડપાયેલા આરોપીઓ સાગરભાઈ શિવાભાઈ નાકરાણી (40): રહે- શુભ રેસીડેન્સી, પાસોદરા (મૂળ- અમરેલી).ગૌત્તમભાઈ ભરતભાઈ ખુંટ (31): રહે- અનમોલ પાર્ક, સરથાણા (મૂળ- બાબરા, અમરેલી). અનિલભાઈ છગનભાઈ વઘાસીયા (46): રહે- અયોધ્યાપુરમ, લસકાણા.
ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્વાગત સોસાયટી-1 માં 'મધર ઓટો એજન્સી' નામથી એક દુકાન છે. જ્યાં દેશની સ્ટાન્ડર્ડ કંપનીઓ જેવી કે મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, ફોક્સવેગન, ટાટા, ફોર્ડ અને ટોયોટા - આ કંપનીઓના સ્પેરપાર્ટ્સના ડુપ્લીકેટ પાર્ટ્સ દિલ્હીથી મંગાવીને અહીં સસ્તા ભાવે વેચવામાં આવતા હતા.
આ ડુપ્લીકેટ પાર્ટ્સનો વેપાર છેલ્લા 8 વર્ષથી અહીં ચાલી રહ્યો હતો. અમારી ટીમે ત્યાં જઈને રેડ પાડી છે અને ત્યાંથી કુલ રૂ. 18,77,609 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. તેના આધારે અમે અત્યારે ગુનો દાખલ કર્યો છે. આ બાબતે અમે જે-તે સંબંધિત કંપનીઓની ઓથોરાઈઝ્ડ એજન્સીઓને ઈમેલ કર્યો છે. તેઓ અહીં આવીને જેમના પાસે પાવર ઓફ એટર્ની હશે, તેઓ અહીં આવીને કોપીરાઈટ એક્ટ અને અન્ય કાયદાકીય જોગવાઈઓ મુજબ ફરિયાદ દાખલ કરાવશે.
આ એક સોશિયલ ઇનિશિયેટિવ હેઠળ અમે કામ કરી રહ્યા છીએ, જેથી સામાન્ય જનતા સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી ન થાય. આ પહેલા પણ અમે દૂધ, પનીર, શેમ્પૂ અને હાર્પિક પર પણ કેસો કર્યા છે. આ રીતે પોલીસનો હેતુ એ જ છે કે લો એન્ડ ઓર્ડર સિવાય સામાજિક બાબતોમાં પણ પોલીસ પોતાની ભૂમિકા ભજવે.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
