<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાના વિદ્યાર્થીઓના આંતરિક ગુણ ઓનલાઇન ભરવાની મહત્વની જાહેરાત

રાજ્યની તમામ માધ્યમિક શાળાઓએ ૫ ફેબ્રુઆરીથી ૨૧ ફેબ્રુઆરી સુધીમાં ફરજિયાતપણે વિદ્યાર્થીઓના આંતરિક મૂલ્યાંકન અને શાળા કક્ષાના વિષયોના ગુણ બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરવા પડશે

ગાંધીનગર, તા. 4 ફેબ્રુઆરી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એક અખબારી યાદી પ્રસિદ્ધ કરીને રાજ્યની તમામ માધ્યમિક શાળાઓ માટે મહત્વની સૂચના જારી કરવામાં આવી છે. આ સૂચના મુજબ, ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાના પરીક્ષાર્થીઓના આંતરિક મૂલ્યાંકનના ગુણ તેમજ શાળા કક્ષાએ લેવાયેલ વિષયોની પરીક્ષાના ગુણ ઓનલાઇન ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
સમયમર્યાદા અને વેબસાઇટની વિગત
બોર્ડના સચિવ આર.આર. વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગાંધીનગર ખાતે નોંધાયેલ રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યોએ પરીક્ષાર્થીઓના ગુણ તારીખ ૦૫/૦૨/૨૦૨૬ થી ૨૧/૦૨/૨૦૨૬ સુધીમાં ઓનલાઇન ભરી દેવાના રહેશે. આ માટે શાળાઓએ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org અથવા sscmarks.gseb.org નો ઉપયોગ કરવાનો રહેશે. તમામ સંબંધિતોએ આ સમયમર્યાદાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
લોગઇન અને ગુણ ભરવાની પદ્ધતિ
પરીક્ષાર્થીઓના ગુણ તેમના નામ અને એપ્લિકેશન નંબરના આધારે ભરવાના રહેશે. શાળાઓ ઓનલાઇન ગુણ ભરવા માટે પોતાની શાળાના ઇન્ડેક્સ નંબર અને નોંધાયેલ મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને લોગઇન કરી શકશે. જો પરીક્ષાર્થીઓના વિષયો બાબતે કે અન્ય કોઈ વિસંગતતા જણાય, તો શાળાઓએ બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીની માધ્યમિક શાખાનો જરૂરી પુરાવાઓ સાથે સંપર્ક કરવાનો રહેશે.
વોકેશનલ વિષયો માટે ખાસ સૂચના
જે શાળાઓમાં સેક્ટર સ્કીલ કાઉન્સિલના વોકેશનલ વિષયોનો અભ્યાસક્રમ અમલી છે, તેવી શાળાઓ માટે અલગથી સૂચના આપવામાં આવી છે. સેક્ટર સ્કીલ કાઉન્સિલ (SSC) દ્વારા કરવામાં આવેલ પ્રાયોગિક મૂલ્યાંકનના ૫૦ ગુણ માંથી ઉમેદવારે મેળવેલ ગુણ પણ સેક્ટર સ્કીલ કાઉન્સિલ (SSC) ના પ્રતિનિધિ પાસેથી મેળવીને શાળા દ્વારા જ ઓનલાઇન ભરવાના રહેશે.

(6:01 PM IST)