<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

ગાંધીનગરમા ‘રાજ્ય શ્રમ પારિતોષિક’ વિતરણ સમારોહ: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ૧૨૮ શ્રમિક રત્નોનું સન્માન : ગુજરાતના ઉદ્યોગ ગૃહોના પ્રગતિના પાયામાં શ્રમયોગીઓનું વિશિષ્ટ યોગદાન રહેલું છે જેથી ‘રાજ્ય શ્રમ પારિતોષિક’ વિતરણ સમારોહને આવા શ્રમયોગીઓની પીઠ થાબડવાનો અવસર ગણાવતા કુંવરજીભાઈ

શ્રમયોગીઓની મહેનત, તેના પરસેવા અને તેમના કૌશલ્યના સહયોગથી ઉદ્યોગ ક્ષેત્ર પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે ઉદ્યોગકારોની શ્રમિકોને પોતાના પરિવાર સમાન ભાવનાથી પ્રોત્સાહિત કરવાની નિતીને ગાંધીનગરના જી.આઈ.ડી.એમ. (GIDM) ઓડિટોરિયમ ખાતે ભવ્ય સમારોહમાં શ્રમયોગીઓની કાર્યનિષ્ઠા અને કૌશલ્યને બિરદાવવામાં આવ્યું

અમદાવાદ તા.૪ : ગાંધીનગરના જી.આઈ.ડી.એમ. (GIDM) ઓડિટોરિયમ ખાતે તા. ૦૪/૦૨/૨૦૨૬ના રોજ એક ભવ્ય સમારોહમાં શ્રમયોગીઓની કાર્યનિષ્ઠા અને કૌશલ્યને બિરદાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ માટેના કુલ ૧૨૮ રાજ્ય શ્રમ પારિતોષિકો એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શ્રમિકોને રાજ્ય શ્રમરત્ન, રાજ્ય શ્રમભૂષણ, રાજ્ય શ્રમવીર અને રાજ્ય શ્રમશ્રી/શ્રમદેવી જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરી તેમની મહેનતને રાજ્ય સ્તરે ઓળખ આપવામાં આવી હતી. આ શ્રમ પારિતોષિકો  શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી  કુંવરજીભાઈ બાવળીયાના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનિય છે કે,કારખાનાઓમાં કામ કરતાં શ્રમયોગીઓ જેમણે ઉત્પાદનની ઉત્પાદકતામાં વધારો, ઔદ્યોગિક શાંતિ જાળવવામાં, આફતના વખતમાં પોતાની સુઝબુઝ અને ત્વરિત પગલાંથી કારખાનામાં અને આજુબાજુના અસરગ્રસ્ ત ક્ષેત્રમાં જાન-માલના બચાવ અને શ્રમયોગી કલ્યાણ વગેરે માટે કરેલ વિશિષટ કામગીરીને પ્રોત્સાહિત કરવા રાજ્ય શ્રમ પારિતોષિક યોજના અમલમાં મુકવામાં આવી છે.

સમારોહમાં શ્રમયોગીઓને અભિનંદન પાઠવતા શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ઉદ્યોગ ગૃહોના પ્રગતિના પાયામાં શ્રમયોગીઓનું વિશિષ્ટ યોગદાન રહેલું છે. આજે આ શ્રમયોગીઓની પીઠ થાબડવાનો અવસર છે. 

રાજ્યમાં માનવજીવન ઊંચું લાવવા ઔદ્યોગીકરણ જરૂરી છે. તેમાં હકારાત્મક ઉદ્યોગ નીતિ અને ઝડપી કામગીરી દ્વારા ગુજરાત આજે પ્રગતિના શિખરો સર કરી રહ્યું છે. આ સાથે જ ઉદ્યોગોમાં કાર્યરત શ્રમયોગીઓના આરોગ્ય, પર્યાવરણની શુધ્ધિ વગેરે અંગે પણ રાજ્ય સરકાર મહત્વના પગલાં લઈ રહી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી કાળમાં રાજ્યની ઉદ્યોગ સ્થિતિને પ્રગતિકારક બનાવવા માટે સરળ ઔદ્યોગિક નીતિ સાથે ઇઝ ઓફ ડુઇંગના સિદ્ધાંતથી કાર્ય કર્યું હતું. જેના પ્રતાપે આજે ગુજરાત રાજ્ય ઔદ્યોગિક ક્ષેત્રે મોખરાના સ્થાને છે.

   આ ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિના મુખ્યકારકો એ તેના શ્રમયોગીઓ છે, ત્યારે તેમને પ્રોત્સાહિત કરવા દર વર્ષે ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો, ઔદ્યોગિક શાંતિ જાળવવામાં અગ્રેસર, પોતાના જાનનું જોખમ ખેડીને અને તાકીદે પગલા ભરીને જીવ બચાવ્યા હોય કે મિલકત બચાવી હોય તેવા વિશિષ્ટ શ્રમયોગીઓને રાજ્ય સરકાર દ્વારા શ્રમ પારિતોષિત એનાયત કરવામાં આવે છે. પ્રધાનમંત્રીશ્રીએ તેમના કાર્યકાળમાં વર્ષ ૨૦૧૦-૧૧ થી દરેક રિજીયનમાં ૧૬ પારિતોષિક પ્રમાણે કુલ ૬૪ પારિતોષિક આપવાનો નિર્ણય કર્યો હતો.  જે અનુસાર આજરોજ વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ના કુલ ૧૨૮ શ્રમયોગીઓને કુલ રૂ. ૧૭ લાખ ૪૫ હજારના રાજ્ય શ્રમયત્ન, શ્રમભૂષણ, શ્રમવીર, શ્રમશ્રી/શ્રમદેવી કેટેગરીમાં પારિતોષિક એનાયત કરવામાં આવ્યા છે.

      શ્રમયોગીઓની મહેનત, તેના પરસેવા અને તેમના કૌશલ્યના સહયોગથી ઉદ્યોગ ક્ષેત્ર પ્રગતિ કરી રહ્યું છે ત્યારે ઉદ્યોગકારોની શ્રમિકોને પોતાના પરિવાર સમાન ભાવનાથી પ્રોત્સાહિત કરવાની નિતીને તેમણે બિરદાવી હતી. મંત્રીશ્રીએ ઉદ્યોગકારોને મેનેજમેન્ટની નીતિ દ્વારા શ્રમયોગીઓને વધુને વધુ પ્રોત્સાહિત કરવા, તેમની નવી શોધોને અમલી કરવા, સમયાંતરે જરૂરી ટેકનિકલ તાલીમના આયોજન અને તેમના મનોવલણોને સમજી ઉદ્યોગોને નવીન ઊંચાઈ હાંસલ કરવા અનુરોધ કર્યો હતો.

         આ સંપૂર્ણ કાર્યક્રમ  લોચન સેહરા (I.A.S.), સચિવશ્રી, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારના રાહબરી હેઠળ નિયામકશ્રી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય દ્વારા યોજાયો હતો, જેમાં તેમણે વિભાગના સચિવશ્રી તરીકે ઉપસ્થિત સર્વ પુરસ્કૃત શ્રમિકોને અભિનંદન પાઠવતા આ તમારો અમને સંપૂર્ણ વિગતો જણાવી હતી. તથા ઉમેર્યું હતું કે, ગુજરાતમાં સેમિકન્ડક્ટ, કેમિકલ તથા શિપિંગ વગેરે ક્ષેત્રોમાં મોટી તકો છે. આ તકોના ઉપયોગથી મેન પાવર થકી દેશને ઇકોનોમીમાં આગળ વધારવા સૌએ સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. 

આ તકે ડાયરેક્ટર ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય, પી.એમ શાહ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ  મહાનુભાવો તથા શ્રમયોગીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ સમારંભમાં રોજગાર અને તાલીમ નિયામક નિતિન સાંઘવાન તથા સાણંદ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન પ્રમુખ અજિત શાહ ઉપરાંત શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ તથા શ્રમયોગીઓએ હાજર રહ્યા હતાં.

 

(5:07 PM IST)