<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

ગુજરાત રાજ્યભરમાં “સુજલામ સુફલામ જળ અભિયાન”ની કામગીરી આગામી તા. ૨૧ ફેબ્રુઆરીથી કરવામાં આવશે પ્રારંભ: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી

દર વર્ષ કરતાં ચાલુ વર્ષે પાણીના સંગ્રહ માટે તળાવો ઊંડા કરવાની કામગીરી વહેલા કરાશે: રાજ્યમાં છેલ્લા ૮ વર્ષમાં ૧૩,૯૯૪ મિલિયન ઘનફૂટ પાણીનો કરાયો સંગ્રહ

અમદાવાદ તા.૪ : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ અંગે પ્રેસ-મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીએ  ચાલુ વર્ષે ચોમાસા પહેલા જળ અભિયાનના કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે રાજ્યભરમાં “સુજલામ સુફલામ જળ અભિયાન” ફેબ્રુઆરી માસથી જ શરૂ કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત આ અભિયાન આગામી તા. ૨૧ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. 

પ્રવક્તા મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પાણીને બચાવવા અને તેના સંગ્રહ માટે અનેક મહત્વની યોજનાઓ અમલમાં મૂકી છે. જે અંતર્ગત મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૮ વર્ષથી જળ સંગ્રહની કામગીરી કરવા માટે રાજ્યના જુદા જુદા વિભાગોના સંકલનથી દર વર્ષે “સુજલામ સુફલામ જળ અભિયાન” હાથ ધરવામાં આવે છે. આ અભિયાન અન્વયે વરસાદ વહેલો આવે તો તે પહેલા પાણીનો સંગ્રહ થાય તે માટે તળાવો ઊંડા કરવાની કામગીરીની દર વર્ષ કરતાં વહેલી શરૂ કરવામાં આવશે. 

આ ઉપરાંત આગામી તા. ૦૩ માર્ચના રોજ રોજ હોળી છે, જેથી શ્રમિકો તહેવારને લઈને વતન જતાં હોવાથી કામગીરીમાં વિલંબ ન થાય તે માટે પણ આ અભિયાન વહેલા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત વર્ષ ૨૦૧૮થી ૨૦૨૫ સુધી છેલ્લા ૮ વર્ષમાં અંદાજે ૧૩,૯૯૪ મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે તથા ૨૬૦ લાખ કરતાં વધુ માનવદિન થકી શ્રમિકોને રોજગારી આપવામાં આવી છે, તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. 

(4:45 PM IST)