તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th February 2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2026-27નુ બજેટ લોકોના અભિપ્રાય અને તમામ સ્ટેક હોલ્ડરને સાથે રાખીને તૈયાર કરાયુ - અલગ અલગ વોર્ડ અને ઝોનમાં લોકોની સમસ્યાઓ જુદી જુદી હોય છે, જેને ધ્યાનમાં રાખીને આયોજન કરાયું : મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની
પાણી અને ડ્રેનેજ સંબંધિત ફરિયાદોના છેલ્લા પાંચ વર્ષના અભ્યાસ બાદ 26 જેટલા વિસ્તારોને હાઈ રિસ્ક તરીકે ઓળખવામાં આવ્યા છે જેના ઉકેલ માટે રૂ. 226 કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી

અમદાવાદ તા.૪
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વર્ષ 2026-27ના બજેટ અંગે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, આ બજેટ લોકોના અભિપ્રાય અને તમામ સ્ટેક હોલ્ડરને સાથે રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. શહેરના અલગ અલગ વોર્ડ અને ઝોનમાં લોકોની સમસ્યાઓ જુદી જુદી હોય છે, જેને ધ્યાનમાં રાખીને આયોજન કરાયું છે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને બજેટમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. હેરિટેજ સિટી તરીકે અમદાવાદની ઓલ્ડ સિટીને વધુ વિકસિત કરવામાં આવશે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
ટ્રાફિક અને પરિવહન વ્યવસ્થાને સુધારવા માટે નેહરુ બ્રિજથી શિવરંજની અને ઇસ્કોન બ્રિજ સુધી એલિવેટેડ કોરિડોર પ્રપોઝ કરવામાં આવ્યો છે. આ સાથે જ બોપલ વકીલ સાહેબ બ્રિજથી પણ એલિવેટેડ કોરિડોર બનાવવાની યોજના છે. SP રિંગ રોડની બહાર રૂ. 1,600 કરોડના ખર્ચે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે, જેથી બસો શહેરમાં પ્રવેશ ન કરે અને લોકોને લાસ્ટ માઈલ કનેક્ટિવિટી સરળતાથી મળી રહે.
પર્યાવરણ અને ગ્રીન સિટી પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે, શહેરના 42 ગાર્ડન અને લેક ડેવલપ કરવામાં આવશે. હાલ AMC રિન્યુએબલ એનર્જીમાંથી 14 ટકા વીજળી મેળવે છે, જેને 100 ટકા સુધી પહોંચાડવા માટે 100 મેગાવોટનો પ્રોજેક્ટ બજેટમાં સામેલ કરવામાં આવ્યો છે. વર્ષ 2030 સુધીમાં અમદાવાદની તમામ બસો ઇલેક્ટ્રિક બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જે માટે પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.
ફ્લડ પ્રૂફ સિટી બનાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. શહેરનું વરસાદી પાણી લેકમાં પહોંચે તે માટે ઇન્ટરલિંકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ફાયર સ્ટેશન, BRTS સ્ટેન્ડ સહિતના મહત્વના સ્થળોને ફ્લડ પ્રૂફ બનાવવાનું આયોજન છે. હાલ શહેરના 147 જેટલા સ્થળો પર વરસાદી પાણી ભરાવવાની સમસ્યા છે.
પાણી અને ડ્રેનેજ સંબંધિત ફરિયાદોના છેલ્લા પાંચ વર્ષના અભ્યાસ બાદ 26 જેટલા વિસ્તારોને હાઈ રિસ્ક તરીકે ઓળખવામાં આવ્યા છે, જેના ઉકેલ માટે રૂ. 226 કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં પ્રદૂષણ નિયંત્રણ માટે 100 જેટલા સેન્સર મૂકવામાં આવશે.
શહેરના ગાર્ડન વિકસાવવામાં આવશે અને 30 જેટલા રસ્તાઓને પ્લાન્ટેશન સાથે ડેવલપ કરવામાં આવશે. વધુ ડસ્ટ ફ્રી રોડ બનાવવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. એર ક્વોલિટી મોનીટરીંગ માટે IIT કાનપુર સાથે મળીને રિયલ ટાઈમ મોનીટરીંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે, ચાલુ વર્ષે AMC દ્વારા અંદાજિત રૂ. 11,000 કરોડનો કેપિટલ ખર્ચ કરવામાં આવશે અને આ બજેટ શહેરના ભવિષ્યના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
