<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

બનાસકાંઠાના જાબડીયામા લગ્ન પ્રસંગે ઠાકોર સમાજના કડક સામાજિક બંધારણના ઉલ્લંઘનનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન : પ્રખ્યાત લોકગાયક ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના પરિવારમાં યોજાયેલા આ લગ્ન પ્રસંગમાં DJ વગાડવાને લઈને સમાજના આગેવાનોમાં ભારે રોષ

“બંધારણ તૈયાર થતાં પહેલાં અમારી સાથે કોઈ બેઠક કે પરામર્શ કરવામાં આવ્યો નહોતો અને નકલ પણ અમારા ગામ સુધી પહોંચેલી નથી, ત્યાં બીજી જાન આવી હતી જેમાં પણ ડીજે હતું તો તેમની સામે કોઈ કાર્યવાહી કેમ નથી થઈ?": પૂર્વ સરપંચનું ચોંકાવનારું નિવેદન

બનાસકાંઠા તા.૪

બનાસકાંઠાના જાબડીયા ગામમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગે ઠાકોર સમાજના કડક સામાજિક બંધારણના ઉલ્લંઘનનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. પ્રખ્યાત લોકગાયક ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના પરિવારમાં યોજાયેલા આ લગ્ન પ્રસંગમાં DJ વગાડવાને લઈને સમાજના આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જોકે, વડગામમાં ઠાકોર સમાજના બંધારણના નિયમોને લઈને સર્જાયેલા વિવાદમાં ગાયક ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે તેમણે કોઈપણ બંધારણ તોડ્યું નથી અને સમાજમાં જોડાયેલા છે. ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે કહ્યું સમાજથી અમે ઉજળા છીએ સમાજ મા-બાપ છે પરંતુ અમે કોઈ પણ પ્રકારના નિયમ તોડ્યા નથી એટલે દંડનો સવાલ નથી.

તેમજ કહ્યું છે કે, બંધારણમાં નિયમ એવો હતો કે સામા પક્ષે જાન લઈ જવાનું હોય તો ડીજે ન કરી શકાય. અમારા ગામમાં જે બંધારણ બન્યું હતું તેમાં ડીજેની છૂટછાટ આપી હતી અને તે પ્રમાણે અમે કર્યું હતું. ઠાકોર સમાજના બંધારણમાં ગામમાં ડીજે ન લાવવું એવું કોઈ મુદ્દો ન હતો.

જોકે, જાબડીયા ગામના પૂર્વ સરપંચનું ચોંકાવનારું નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું છે કે, “બંધારણ તૈયાર થતાં પહેલાં અમારી સાથે કોઈ બેઠક કે પરામર્શ કરવામાં આવ્યો નહોતો અને નકલ પણ અમારા ગામ સુધી પહોંચેલી નથી. એટલું જ નહીં ત્યાં બીજી જાન આવી હતી જેમાં પણ ડીજે હતું તો તેમની સામે કોઈ કાર્યવાહી કેમ નથી થઈ?"

જાબડીયા ગામે ગબ્બર ઠાકોરના કાકાના દીકરાના લગ્ન હતા. આ પ્રસંગે ગામમાં ડીજે સાથે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. પરંતુ ઠાકોર સમાજ દ્વારા અગાઉ એક બંધારણ ઘડવામાં આવ્યું હતું, જેમાં જાનમાં કે વરઘોડામાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નિયમનો ભંગ થયો હોવાનું માનીને સમાજના આગેવાનો અને લોકોએ સોશિયલ મીડિયા પર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ્સ પણ વાયરલ થઈ છે કે આ કલાકારોને 'સમાજ બહાર' કરવા જોઈએ અને કોઈએ તેમને સપોર્ટ ન કરવો.

(4:24 PM IST)