<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

ડભોઇ-વડોદરા રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો : ટ્રક અને બાઈક વચ્ચે થયેલી ભયાનક અથડામણમાં એક 42 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો : ટ્રકના પાછળના ટાયર બાઈક સવાર પર ફરી વળ્યા

અકસ્માત સર્જીને ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ જતા તેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા : માર્ગ અકસ્માતમાં આશાસ્પદ ખેડૂત યુવકનું મોત થતા પલાસવાડા ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું

વડોદરા તા.૪

વડોદરા જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગત તારીખ 03 ફેબ્રુઆરીના રોજ ડભોઇ-વડોદરા રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક અને બાઈક વચ્ચે થયેલી ભયાનક અથડામણમાં એક 42 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો છે.

ડભોઇ તાલુકાના પલાસવાડા ગામના રહેવાસી વિરલ મહેન્દ્રભાઈ પટેલ (ઉં.વ. 42) ખેતીકામ પૂર્ણ કરીને બાઈક પર વડોદરા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ડભોઇ-વડોદરા રોડ પર એક પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રકના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અથડામણ એટલી પ્રચંડ હતી કે ટ્રકના પાછળના ટાયર બાઈક સવાર વિરલભાઈ પર ફરી વળ્યા હતા. આ દુર્ઘટનામાં બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને વિરલભાઈને ગંભીર ઇજાઓ થવાથી રોડ પર લોહીના ફુવારા ઉડ્યા હતા.

ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ તથા ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

અકસ્માત બાદ ડભોઇ-વડોદરા રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો. ડભોઇ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માત સર્જીને ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે, જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. માર્ગ અકસ્માતમાં આશાસ્પદ ખેડૂત યુવકનું મોત થતા પલાસવાડા ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વધતા અકસ્માતોને ડામવા માટે ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલનની જરૂરિયાત ફરી એકવાર પ્રબળ બની છે.

(4:07 PM IST)