તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd February 2026
વડોદરા મહાનગરપાલિકાનું 7609.63 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ: કરવેરા વધારા વિનાનું બજેટ
પાલિકાનો કુલ ખર્ચ રૂ. 5036.71 કરોડ દર્શાવાયો :કુલ આવક રૂ. 4861.23 કરોડ: શહેરના વિકાસ કામોને ગતિ આપવા રૂ. 200 કરોડના બ્લુ બોન્ડ જાહેર કરવાની પણ જોગવાઈ

વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું ડ્રાફ્ટ તથા રિવાઇઝ્ડ બજેટ આજે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ રૂ. 7609.63 કરોડનું કુલ બજેટ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું. આવનારી કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બજેટ સંપૂર્ણપણે કરદર વિનાનું રાખવામાં આવ્યું છે અને કોઈપણ પ્રકારનો કરવેરામાં વધારો કરવામાં આવ્યો નથી. બજેટ મુજબ પાલિકાનો કુલ ખર્ચ રૂ. 5036.71 કરોડ દર્શાવવામાં આવ્યો છે, જ્યારે કુલ આવક રૂ. 4861.23 કરોડ રહેશે. શહેરના વિકાસ કામોને ગતિ આપવા માટે રૂ. 200 કરોડના બ્લુ બોન્ડ જાહેર કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
ડ્રાફ્ટ બજેટમાં શહેરના માળખાગત વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. સમા, મંજલપુર અને સેવાસી વિસ્તારમાં ત્રણ નવા ઓડિટોરિયમ બનાવવાની યોજના રજૂ કરવામાં આવી છે. રમતગમતના માળખાને મજબૂત બનાવવા માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના અપગ્રેડેશન માટે રૂ. 350 કરોડ ફાળવવામાં આવ્યા છે. સાથે જ વડોદરા મહાનગરપાલિકાની એક આઇકોનિક ઓફિસ બિલ્ડિંગ માટે રૂ. 150 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
શહેરના મનોરંજન અને પ્રવાસન વિકાસ માટે એક્વાટિક પાર્કની યોજના પણ બજેટમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. દરેક ઝોનમાં એક સિવિક સેન્ટર સ્થાપવાની યોજના છે. ફાયર અને ઇમરજન્સી સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે ક્વાર્ટર સહિત 6 નવા ફાયર સ્ટેશન માટે રૂ. 150 કરોડ ફાળવવામાં આવ્યા છે. ડિજિટલ અને ટેકનોલોજી આધારિત શાસન માટે GIS આધારિત ડિજિટલ ટ્વિન મોડલ તથા 3D GIS સિસ્ટમ માટે રૂ. 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શહેરમાં ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખીને મલ્ટી લેવલ કાર પાર્કિંગની યોજના રજૂ કરવામાં આવી છે, જ્યારે રોજગાર અને શ્રમિક સુવિધા માટે દરેક ઝોનમાં લેબર ચોક બનાવવાનો પ્રસ્તાવ છે.
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
