તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd February 2026
ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશમાં પ્રથમઃ અર્જુનભાઇ
ગાંધીનગરમાં વર્કશોપ પ્રસંગે સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રીનું ઉદબોધન

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા.૩: ઇન્કયુબેટર્સથી લઈને સેમિકન્ડક્ટર અને સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ સુધી ગુજરાતના યુવાનો માત્ર આઈડિયા નહીં, પરંતુ આખી ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છે. અગાઉ ઈનોવેશન અને સ્ટાર્ટઅપ માત્ર લેબમાં થતા હતા, જ્યારે અત્યારે રાજ્ય સરકારના પ્રયાસો અને યુવાઓની મહેનતથી ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશમાં પ્રથમ ક્રમે છે. જ્યારે સ્ટાર્ટઅપ્સનું નામ પણ અજાણ્યું હતું, ત્યાંથી લઈને આજે આપણે સ્ટાર્ટઅપ ક્ષેત્રે નંબર વન સ્ટેટ બન્યા છીએ. આમ, ભારતીય યુવાનોની ક્ષમતા અને મહેનતની નોંધ સમગ્ર વિશ્વ લઈ રહ્યું છે. ગુજરાત આજે સ્ટાર્ટઅપ અને Al ટેકનોલોજીમાં પ્રગતિશીલ રાજ્ય છે તેમ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયાએ આજે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને આજે ગિફ્ટ સિટી ક્લબ, ગાંધીનગર ખાતે ‘‘સ્ટ્રેટેજિક IP મેનેજમેન્ટ ફોર ઇનોવેશન'' પેટન્ટ એનાલિટિક્સ અને ફ્રીડમ ટુ ઓપરેટ-FTO'' વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે વિવિધ ઇનોવેટર્સને આત્મનિર્ભર ગુજરાત ફેલોશિપ અંતર્ગત કુલ રૂ. ૬૨.૮૪ લાખ, IP કોમર્શિયલાઇઝેશન અંતર્ગત કુલ રૂ. ૩ લાખ અને નિધિ પ્રયાસ ગ્રાન્ટ હેઠળ રૂ. ૨૧.૫૦ લાખ એમ કુલ રૂ. ૮૭.૩૪ લાખની રકમના ચેક એનાયત કરવામાં આવ્યા હતા.
ઇનકયૂબેટર્સ અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે કાર્યરત યુવા માટે આજનો વર્કશોપ મિની કુંભ સમાન છે તેમ જણાવી મંત્રી શ્રી મોઢવાડિયા એ કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતમાં સૌપ્રથમ વર્ષ ૨૦૦૩માં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની રચના થઈ હતી. આ પ્રયાસોને પરિણામે ગુજરાતમાં સાવલી ટેકનોલોજી અને બિઝનેસ ઇનકયૂબેટર જેવું સેન્ટર કાર્યરત થયું છે. ગુજરાતના યુવાનો સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ નવા નવા ઇનોવેશન કરી રહ્યા છે. એક સમય હતો કે કોઈએ સ્ટાર્ટઅપ્સ વિશે સાંભળ્યું જ ન હતું. ઇન્કયુબેટર શું છે? તે વિશે વાત પણ થતી ન હતી. જ્યારે આજે સેટેલાઇટ બનાવવા માટે વપરાતા સેમિકન્ડક્ટરની ડિઝાઇન, ફેબ્રિકેશન, ટેસ્ટિંગ અને પેકેજિંગ એમ બધુ અમદાવાદ ખાતે કાર્યરત ઇસરોમાં ઇન-હાઉસ બને છે. આમ, સેટેલાઇટમાં વપરાતા સેમિકન્ડક્ટરની આખી ઇકોસિસ્ટમ પણ અહી ઉપલબ્ધ છે.
સાણંદના ખોરજ ખાતે આવેલી GIDCમાં દેશની સૌ પ્રથમ સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી બનાવવામાં આવી છે. અહી ભારતીય ડિઝાઇન મુજબ સેટેલાઇટનું ઉત્પાદન કરવામાં આવશે. જેમાં પ્રથમ ત્રણ વર્ષ સુધી ૬ સેટેલાઇટ અને ત્યારબાદ ત્રણ વર્ષમાં ૧૨ સેટેલાઈટ બનાવવાનું લક્ષ્ય છે. આમ, રાજ્યમાં યુવાઓનો વિવિધ સ્વરૂપે અદભૂત બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થઈ રહ્યો છે, જે સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને વધુ વેગ આપે છે.
આ પ્રસંગે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક સચિવ શ્રી પી. ભારતીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં રજૂ કરેલા બજેટમાં પણ યુવાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આર્થિક ક્ષેત્રે ગુજરાતને ટોપ પાંચમાંથી વર્ષ ૨૦૩૦ સુધીમાં પ્રથમ ત્રણમાં સ્થાન અપાવવા યુવાઓની ભૂમિકા ખૂબ અગત્યની રહેશે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં છેલ્લા પાંચ વર્ષથી ગુજરાત પ્રથમ નંબરે છે. રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં સ્ટાર્ટઅપ પર વધુ ભાર મૂકવામાં આવશે. BIRACના એમડી ડો. જિતેન્દ્ર કુમારે વર્ચ્યુઅલ માધ્યમથી પ્રાસંગિત સંબોધન કર્યુ હતું.
બાયો-ઇન્ડસ્ટ્રી વેટરન અને પોલિસી એનાલિસ્ટ શ્રી સુનીલ પારેખે કહ્યું હતું કે, બાયોટેક્રોલોજી ક્ષેત્રે ભારત અને ગુજરાતની પ્રગતિ નોંધનીય છે. વર્ષ ૨૦૦૩ની પ્રથમ પોલિસીથી GSBTMની રચના, રૂ. ૫૦ લાખથી શરૂ કરીને રૂ. ૩૫ કરોડ સુધીની સફર અને બાયો ઇકોનોમી, જે GDPમાં ૪.૨૫ ટકા યોગદાન આપે છે. જેમાં ગુજરાત ૭.૮ ટકા જેટલું યોગદાન આપીને ટોપ પાંચ રાજ્યોમાં સામેલ છે.
આ પ્રસંગે આઈપી એન્ડ ટેક્રોલોજી ટ્રાન્સફર, BIRACના ડીજીએમ ડો. વિનિતા જિંદલે કહ્યું હતું કે, ઇનોવેશન માટે IP વ્યૂહરચનાના કેન્દ્રબિંદુ સમાન છે.
આ કાર્યક્રમમાં STBIના ડિરેક્ટર ડો. આનંદ ભડાલકરે શાબ્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાનશ્રીએ વર્ષ ૨૦૪૭ સુધી વિકસિત ભારતની સ્પષ્ટ વિભાવના આપી છે, તે ટેક્રોલોજીકલ સ્વાવલંબન વિના શકય નથી. આઈપી સ્ટ્રેટેજી, ભારતીય ટેક્રોલોજીની ગુણવત્તા અને માર્કેટ એક્સેસ થકી ભારતની વિવિધ ટેક્રોલોજી વિશ્વભરમાં પોતાનું આગવું વર્ચસ્વ ઊભું કરશે.
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ-DST હેઠળ કાર્યરત સાવલી ટેક્રોલોજી એન્ડ બિઝનેસ ઇન્કયુબેટર-STBI અને બાયોટેકનોલોજી ઈન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ-BIRACના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ વર્કશોપ થકી નિષ્ણાતો દ્વારા સ્ટાર્ટઅપ્સ, વૈજ્ઞાનિકો, સંશોધકો, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગસાહસિકોને વિવિધ ઇનોવેશન અને કોમર્શિયલાઇઝેશનને વેગ આપવા, ‘‘સ્ટ્રેટેજિક IP મેનેજમેન્ટ'', ‘‘પેટન્ટ એનાલિટિક્સ'' અને ‘‘ફ્રીડમ ટુ ઓપરેટ'' જેવી બાબતો વિશે વિસ્તળતમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં DST, SVBIT અને BIRACના અધિકારી-કર્મચારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ઇનોવેટર્સ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
