News of Tuesday, 3rd February 2026
નિવૃત થતા ASI ને આણંદ એસપી ગૌરવ જસાણીએ પોતાની એસપી ચેર પર બેસાડી, સામે ઊભા રહ્યા
ગુજરાતના પોલીસ તંત્રમાં વાયરલ બનેલ ઘટનાની વિશેષ વાતો...જેની સામે પણ ન બેસી શકાય તેવા જીલ્લા પોલીસ વડાએ નિષ્ઠા, કર્તવ્યનિષ્ઠા, પ્રમાણિકતાના ગુણોની અનોખી કદર કરી ઇતિહાસ સર્જ્યો : ૩૩ વર્ષ સુધી પરિવાર કરતા ફરજને પ્રાથમિકતા આપનાર મહમદ યુસુફ ભાવવિભોર બન્યાઃ લોહાણા સમાજના ips ગૌરવ જસાણીનું ગૌરવરૂપ કાર્ય

રાજકોટ તા.૩: આજના સમયમાં ઉચ્ચ અધિકારીઓનો પોતાના સ્ટાફ પ્રત્યેની લાગણીની પરિભાષા બદલી ગયેલ છે, જેમાં નિષ્ઠા, સજ્જનતા, પ્રામાણિકતા જેવા ગુણોની કદર દૂર દૂર સુધી જોવા મળતી નથી તેવા સમયે આણંદના જીલ્લા પોલીસ વડા ગૌરવ જસાણી દ્વારા એક અનોખો નિર્ણય કરી માત્ર આણંદ જીલ્લા નહિ આખા ગુજરાતમાં એક મિશાલ સ્થાપિત કરી કે, કામ પ્રત્યેની નિષ્ઠા, પ્રામાણિકતા કે વફાદારીના ગુણો હવે ગોડાઉનમાં મુકાઈ ગયા છે તેવું માનવાની જરૂર નથી, સાચા હીરાની પરખ કરે એવા જોહરીને આવા ગુણોની પણ કિંમત હોય છે, તો ચાલો ગુજરાતના પોલીસ બેડામાં ખૂબ વાયરલ થયેલી ઘટનાની વિશેષ વાતો જાણીએ
આણંદ જિલ્લામાં LIB વિભાગમાં ૩૩ વર્ષ સુધી એક જ સ્થાને રહી પરિવાર પછી ફરજ પ્રથમ એવી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી નિવળત થય રહેલા ASI મહમદ યુસુફને આણંદ એસપી ગૌરવ જસાણી દ્વારા વિશિષ્ઠ બહુમાન કરી અને પોતાની એસપીની ચેર પર બેસાડયા. આ વાત સામાન્ય નથી, આરોપીની ખુરશી પર બેસવાનું તો શું તાબાના સ્ટાફ તેમની સામે પણ ન બેસી શકે એવા આ વિભાગમાં આ ઘટના ખૂબ અસામાન્ય છે. તાબાના સ્ટાફને મોટા ભાગના ઉચ્ચ અધિકારીઓ સારી રીતે સાચવે તેના માપદંડ પણ અલગ જ હોય છે તેવી વ્યાપક માન્યતા પોલીસ તંત્રમાં છે.
આ પ્રસંગે પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીએ જણાવ્યું હતું કે, મહંમદ યુસુફ શેખે પરિવાર કરતાં પણ ફરજ પ્રત્યે વધુ નિષ્ઠા દાખવીને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેની ખોટ કચેરીને વર્તાશે. તેમણે ઉમેર્યું હતું કે જો દરેક કર્મચારી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે તો તંત્ર વધુ ઝડપી અને સરળ બનશે. તેમણે અન્ય કર્મચારીઓને મહંમદયુસુફ જેવા નિવળત્ત થતા કર્મચારીઓ પાસેથી પ્રેરણા લેવા પણ અનુરોધ કર્યો હતો.
આ વિદાય સમારોહમાં નિવળત્ત ડીવાયએસપી દિલીપ ત્રિવેદી, પી.આઈ. આર.એસ. સેંધવ સહિત અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ મહંમદયુસુફ શેખ સાથેના તેમના સંસ્મરણો રજૂ કર્યા હતા. આણંદ ડિવિઝનના ડીવાયએસપી જે.એન. પંચાલ, પેટલાદ ડિવિઝનના ડીવાયએસપી એચ.બી. વાઘેલા, એલસીબી પી.આઈ. એચ.આર. બ્રહ્મભટ્ટ અને સીઆઈડી ક્રાઈમના પી.આઈ. આર.ડી. ડાભી સહિતના અધિકારીઓએ પણ નિવળત્ત થતા એ.એસ.આઈ. મહંમદયુસુફનું સન્માન કર્યું હતું.
નિવળત્ત થતા એ.એસ.આઈ. મહંમદયુસુફ શેખે જણાવ્યું હતું કે ઉપરી અધિકારીઓએ તેમનામાં વિશ્વાસ મૂકયો હતો, જેના કારણે તેઓ એલઆઈબીમાં ૩૩ વર્ષ સુધી એક જ ટેબલ પર ફરજ બજાવી શકયા. તેમણે તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
