News of Tuesday, 3rd February 2026
નિવૃત્તિ આયોજન માટે એસેટ એલોકેશન અને લાર્જકૅપ પેસિવ ફંડ્સ ઉત્તમ વિકલ્પ - ICICI પ્રુડેન્શિયલ એએમસીના ચિંતન હરિયાનું માર્ગદર્શન
મોંઘવારીને પછાડવા અને જોખમ સંતુલિત કરવા ઇક્વિટી, ડેટ અને ગોલ્ડમાં વિવિધીકરણ જરૂરી : લાર્જકૅપ ઇન્ડેક્સ ફંડ્સ લાંબા ગાળાના મૂડીભંડાર માટે સ્થિરતા અને ઓછો ખર્ચ પૂરો પાડે છે

કેતન ખત્રી દ્વારા, અમદાવાદ, તા. 3 ફેબ્રુઆરી : નિવૃત્તિ આયોજન એ દરેક રોકાણકારના જીવનનું સૌથી મહત્વપૂર્ણ આર્થિક લક્ષ્ય છે. આઈસીઆઈસીઆઈ (ICICI) પ્રુડેન્શિયલ એએમસીના ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી પ્રિન્સિપાલ ચિંતન હરિયાના જણાવ્યા અનુસાર, નિવૃત્તિ બાદનું જીવન સુખમય વીતે તે માટે માત્ર બચત પૂરતી નથી, પરંતુ યોગ્ય એસેટ એલોકેશન અને શિસ્તબદ્ધ રોકાણ અનિવાર્ય છે. કામકાજના વર્ષો દરમિયાન ભેગું કરેલું ભંડોળ નિવૃત્તિ પછીના ૨૫-૩૦ વર્ષ સુધી ટકી રહે તે માટે લાંબા ગાળાની વ્યૂહરચના ઘડવી જરૂરી છે.
એસેટ એલોકેશન: પોર્ટફોલિયોની સફળતાનો પાયો
ચિંતન હરિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નિવૃત્તિ આયોજનના કેન્દ્રમાં એસેટ એલોકેશન હોવું જોઈએ. નાણાંને ઇક્વિટી, ડેટ અને સોના-ચાંદી જેવી કોમોડિટીઝમાં વહેંચવા એ જોખમ ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ છે. ઐતિહાસિક અભ્યાસો દર્શાવે છે કે પોર્ટફોલિયોની ૯૧.૫% સફળતા માત્ર યોગ્ય એસેટ ફાળવણી પર નિર્ભર હોય છે. વિવિધ એસેટ ક્લાસના પ્રદર્શનનું વિશ્લેષણ કરતા તેમણે ઉમેર્યું કે છેલ્લા ૨૧ વર્ષોમાં (FY05 થી FY25) નિફ્ટી ૫૦ (Nifty 50 TRI) ૧૨ વર્ષ શ્રેષ્ઠ રહ્યો છે, જ્યારે સોનાએ ૮ વર્ષ સારું વળતર આપ્યું છે. કયો એસેટ ક્લાસ ક્યારે તેજીમાં આવશે તે નક્કી ન હોવાથી વિવિધીકરણ જ એકમાત્ર સુરક્ષા છે.
વિવિધ એસેટ ક્લાસનું મહત્વ:
* ઇક્વિટી: મૂડીમાં વૃદ્ધિ લાવવા માટેનું એન્જિન છે.
* ડેટ: પોર્ટફોલિયોમાં સ્થિરતા અને નિયમિત આવકની ખાતરી આપે છે.
* સોનું અને ચાંદી: મોંઘવારી અને કરન્સીના મૂલ્યમાં ઘટાડા સામે સુરક્ષા (હેજ) પૂરી પાડે છે.
લાર્જકૅપ પેસિવ ફંડ્સની ભૂમિકા
ઇક્વિટી રોકાણ માટે લાર્જકૅપ પેસિવ ફંડ્સ (ઇન્ડેક્સ ફંડ્સ અને ETFs) એક સરળ અને ઓછી કિંમતનો વિકલ્પ છે. નિફ્ટી ૫૦ ઇન્ડેક્સે છેલ્લા ૨૦ વર્ષમાં ૧૨.૯% વાર્ષિક વળતર આપીને રોકાણકારોની સંપત્તિમાં વધારો કર્યો છે. લાર્જકૅપ કંપનીઓ મજબૂત કેશ ફ્લો અને સ્થિરતા ધરાવતી હોવાથી નિવૃત્તિના પોર્ટફોલિયોમાં તે પાયાના પથ્થર જેવી ભૂમિકા ભજવે છે. હાલમાં લાર્જકૅપ કંપનીઓનું મૂલ્યાંકન મિડકેપ અને સ્મોલકેપની સરખામણીએ સસ્તું હોવાથી તેમાં રોકાણની સારી તક છે.
નિષ્ણાતોના મતે, જે રોકાણકારો ડિમેટ ખાતું ધરાવે છે તેમના માટે ETFs અને અન્ય લોકો માટે ઇન્ડેક્સ ફંડ્સ નિવૃત્તિ માટેના કોર્પસ બનાવવામાં અત્યંત મદદરૂપ સાબિત થઈ શકે છે. યોગ્ય સમયે પોર્ટફોલિયોનું રિબેલેન્સિંગ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને કરાયેલું આયોજન જ નિવૃત્ત જીવનને આર્થિક રીતે સુરક્ષિત બનાવી શકે છે.
આલેખન : ચિંતન હરિયા, પ્રિન્સિપલ – ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
