<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

સુરત: અડાજણમાં તાપી હોર્સ રેસ દરમિયાન ઘોડો બેકાબૂ બની સીધો પ્રેક્ષકોની ભીડ તરફ દોડતા ભારે નાસભાગ: એક ઈજાગ્રસ્ત

સુરતના અડાજણ રિવરફ્રન્ટ પાસે આયોજિત 'તાપી અશ્વ શો' દરમિયાન રેસમાં દોડતો એક ઘોડો અચાનક કાબૂ બહાર જતાં પ્રેક્ષકોમાં ઘૂસી ગયો હતો. આ ઘટનામાં જીવ બચાવવા માટે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી.

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં તાપી નદીના કિનારે આયોજિત 'તાપી અશ્વ શો' એક દુર્ઘટનાને કારણે ચર્ચામાં આવ્યો છે. અહીં યોજાયેલી હોર્સ રેસ (ઘોડ દોડ) નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સ્પર્ધા દરમિયાન એક ઘોડો અચાનક તેના સવારના કાબૂમાંથી મુક્ત થઈ ગયો હતો અને સીધો પ્રેક્ષકોની ભીડ તરફ દોડ્યો હતો.

આ દ્રશ્ય જોઈને લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને જીવ બચાવવા માટે લોકો આમતેમ દોડવા લાગ્યા હતા. આ અફરાતફરીમાં એક વ્યક્તિ ઘોડાની અડફેટે આવી જતાં તેને ઈજા પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. 

આયોજકો દ્વારા સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે, કારણ કે રેસ ટ્રેક અને પ્રેક્ષકો વચ્ચે સુરક્ષા બેરિકેડિંગ પૂરતું હતું કે કેમ તે અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. ઘટના બાદ થોડા સમય માટે શોમાં અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો.

(10:54 AM IST)