News of Sunday, 1st February 2026
વડોદરાના અક્ષરચોક પર કાળમુખું ડમ્પર બન્યું યમદૂત: ૨૦ વર્ષના આશાસ્પદ યુવાનનું શરીરથી અંગ જુદું કરી નાખતી ભયાનક ટક્કર!
એલેમ્બિક કંપનીમાં નોકરી પૂરી કરી ઘરે પરત ફરી રહેલા શ્રીજી ગાંધીનો માર્ગમાં જ ખેલ ખતમ; પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે યુવાનને એવો કચડ્યો કે જોનારાના રૂંવાડા ઊભા થઈ ગયા, પાદરાના નવાપુરામાં માતમનો માહોલ

વડોદરા: વડોદરાના રાજમાર્ગો ફરી એકવાર નિર્દોષ લોહીથી ખરડાયા છે. શહેરના અતિ વ્યસ્ત એવા અક્ષરચોક પાસે આજે સાંજે એક કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના સર્જાઈ છે. પાદરાના નવાપુરામાં રહેતો અને એલેમ્બિક કંપનીમાં પોતાની કારકિર્દી ઘડી રહેલો ૨૦ વર્ષીય યુવાન શ્રીજી ગાંધી જ્યારે પોતાની ફરજ પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે કાળમુખા ડમ્પરે તેને પોતાની લપેટમાં લીધો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પરનું તોતિંગ વ્હીલ યુવાન પર ફરી વળતા તેનો ડાબો પગ કપાઈને શરીરથી અલગ થઈ ગયો હતો. રસ્તા પર ફેલાયેલા લોહીના ખાબોચિયા અને યુવાનની હાલત જોઈને ઘટનાસ્થળે હાજર લોકોના કાળજા કંપી ઉઠ્યા હતા.
સ્થાનિકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા લોહીલુહાણ હાલતમાં શ્રીજીને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું; હોસ્પિટલના બિછાને પહોંચતા પહેલા જ આ આશાસ્પદ યુવાને દમ તોડી દીધો હતો. તબીબોએ તેને મૃત જાહેર કરતા જ હોસ્પિટલ પરિસરમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. હજુ તો જીવનની શરૂઆત કરી રહેલા પુત્રનો ક્ષત-વિક્ષત દેહ જોઈને માતા-પિતાની જે હાલત થઈ તે શબ્દોમાં વર્ણવી અશક્ય છે. પાદરાના નવાપુરા ગામમાં આ સમાચાર પહોંચતા જ આખું ગામ શોકમાં ડૂબી ગયું છે.
આ અકસ્માતે વડોદરાના ટ્રાફિક તંત્ર અને ભારે વાહનોની બેફામ ગતિ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. અક્ષરચોક જેવા પદયાત્રીઓ અને ટુ-વ્હીલરથી ધમધમતા વિસ્તારમાં ડમ્પરચાલકો કઈ રીતે આટલી પૂરપાટ ઝડપે વાહન ચલાવી શકે? નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે શું તંત્ર માત્ર દંડ વસૂલવામાં જ વ્યસ્ત છે? નિર્દોષ નાગરિકોની સુરક્ષાનું શું? પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, પરંતુ શ્રીજીના પરિવાર માટે આ ક્યારેય ન પુરાનારી ખોટ છે. વડોદરાના માર્ગો પર 'મોત' બનીને દોડતા ડમ્પરો પર ક્યારે લગામ કસાશે તે મોટો પ્રશ્ન છે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
