તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st January 2026
સુરત મનપાની સામાન્ય સભા તોફાની બની :'કચરા કૌભાંડ' ને લઈને ઉગ્ર વિરોધ : મેયરનો ઘેરાવ કરાયો
સવારે ઘોડા પર જોવા મળેલ મેયરને સાંજે ધક્કે ચડાવાયા : આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો હાથમાં પ્લે-કાર્ડ લઈને પરિસરમાં એકઠા થયા:"હજી કેટલાં કરવા છે કાંડ...?" અને "કચરામાં પણ કૌભાંડ" જેવા સૂત્રોચ્ચાર કરી આખું સંકુલ ગજવી મૂક્યું

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે તોફાની બની હતી. છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા 'કચરા કૌભાંડ' ને લઈને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન મેયર દક્ષેશ માવાણીને વિપક્ષી સભ્યોએ ઘેરી લીધા હતા
સુરત શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં વારંવાર પ્રથમ ક્રમે આવે છે, પરંતુ વિપક્ષ દ્વારા આ આંકડાઓને 'છેતરપિંડી' ગણાવવામાં આવ્યા છે. વિપક્ષનો આરોપ છે કે, પાલિકાએ કચરાનું 100 ટકા વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ થતું હોવાના ખોટા ડેટા રજૂ કરીને કેન્દ્ર સરકાર સાથે છેતરપિંડી કરી છે અને એવોર્ડ મેળવ્યો છે. વાસ્તવમાં ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર કચરાના ડુંગરો યથાવત છે, જે પાલિકાના દાવાઓની પોલ ખોલે છે.
આજની સામાન્ય સભા શરૂ થાય તે પહેલાં જ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો હાથમાં પ્લે-કાર્ડ લઈને પરિસરમાં એકઠા થયા હતા. "હજી કેટલાં કરવા છે કાંડ...?" અને "કચરામાં પણ કૌભાંડ" જેવા સૂત્રોચ્ચાર કરી આખું સંકુલ ગજવી મૂક્યું હતું. વિપક્ષી નેતા પાયલ સાકરિયાની આગેવાનીમાં કોર્પોરેટરોએ શાસક પક્ષ પર ભ્રષ્ટાચારના સીધા પ્રહારો કર્યા હતા.
જ્યારે મેયર દક્ષેશ માવાણી સભાખંડ તરફ જઈ રહ્યા હતા, ત્યારે વિપક્ષી સભ્યોએ તેમને ઘેરી લીધા હતા. આક્ષેપ છે કે યોગ્ય જવાબ ન મળતા મામલો બિચક્યો હતો અને સભ્યો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. મેયરને સુરક્ષાકર્મીઓના કવચ વચ્ચે માંડ-માંડ બહાર કાઢવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકારણ ગરમાયું છે.
સભામાં થયેલા હોબાળા અને શિસ્તભંગના કારણોસર મેયર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. વિપક્ષના નેતા પાયલ સાકરિયાને સામાન્ય સભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ નિર્ણય બાદ વિપક્ષે એવો આરોપ લગાવ્યો હતો કે ભાજપ શાસકો પોતાની નિષ્ફળતા છુપાવવા માટે વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ખજોદ સાઈટની મુલાકાત લીધા બાદ વિપક્ષના સભ્યોએ દાવો કર્યો છે કે લાખો મેટ્રિક ટન કચરો પ્રોસેસ કર્યા વગર જ પડ્યો રહ્યો છે. પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ મામલે હવે રાજ્ય કક્ષાએ પણ તપાસની માંગ ઉઠી શકે છે.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
