તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th January 2026
મંગળવારે બેંક હડતાલ : આજથી ચાર દિવસ માટે બેંકિંગ કામકાજ ખોરવાશે
બેંક હડતાલમાં સૌરાષ્ટ્ર-કચ્છના પપ૦૦ સહિત ગુજરાતભરના ૧પ૦૦૦ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ જોડાશે

રાજકોટ, તા. ર૪ : દેશભરની જાહેરક્ષેત્ર તેમજ ખાનગી બેંકોના કર્મચારીઓના નવ યુનિયનોના બનેલા યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્રારા બેંકોમાં પાંચ દિવસના સપ્તાહના અમલીકરણની માંગણીના ટેકામાં તા.૨૭-૦૧-૨૦૨૬ને મંગળવારના રોજ દેશવ્યાપી બેંક હડતાલનું એલાન આપ્યું છે જેમાં વિવિધ બેંકોના ૮લાખ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ જોડાશે.
અગાઉ આઈબીએ સાથે થયેલી સમજુતીઓ અને કરાર હેઠળ બેંકોમાં પાંચ દિવસનું સપ્તાહ શરૂ કરવા અને મહીનાના તમામ શનિવારે જાહેર રજા રાખવાનું નકકી થયુ હતુ જેના બદલામાં બેંક કર્મચારીઓ સોમવારથી શુકવાર સુધી પ્રત્યેક દિવસ ૪૦ મીનીટ વધુ કામ કરશે તેવી પણ સહમતિ સાધવામાં આવી હતી આ અંગે સરકારની સહમતીની રાહ જોવાય છે. પરંતુ સરકારે આ બાબતના અમલીકરણ માટે હજુ સુધી કોઈ જાહેરાત ન કરતા સરકારનું ધ્યાન ખેંચવા માટે બેંક કર્મચારીઓએ હડતાલનું એલાન આપવાની ફરજ પડી છે તેમ ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રી જતિનભાઈ ધોળકીયાની એક અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.
તેમણે યાદીમાં વધુમા જણાવ્યું છે કે અઠવાડીયામાં પાંચ દિવસના કામકાજથી કર્મચારીઓ પર કામનું ભારણ ઘટશે અને તેઓની કાર્યક્ષમતામાં વધારો થશે તેઓ વધુમાં જણાવેછે કે કેન્દ્ર સરકાર અને કેટલીક રાજય સરકારો,એલ.આઈ.સી, રિઝર્વ બેન્ક, શેર બજાર,ફોરેકસ માર્કેટમાં હાલ પાંચ દિવસનું સપ્તાહ અમલી છે. માત્ર બેંક કર્મચારીઓને જ બાકાત રાખવામાં આવેલ છે.દર શનિ રવિ બેંકોમાં રજા રાખવાથી ગ્રાહક સેવાને કોઈ અસર પડશે નહિ કારણકે આજે નાણાકીય વ્યવહાર માટેના અનેક વિકલ્પો મોજુદ છે.
યાદીના અંતે જણાવાયું છે કે તા.૨૭-૦૧-૨૦૨૬ની બેંક હડતાલમાં રાજકોટના ૧૫૦૦, સૌરાષ્ટ્ર-કચ્છના ૫૫૦૦ સહીત ગુજરાતભરના ૧૫૦૦૦ જેટલા કર્મચારીઓ જોડાશે અને પોતાની માંગણીઓનો પડઘો પાડશે. બેંક હડતાલને કારણે ગ્રાહકોને પડનાર સંભવિંત મુશ્કેલી અંગે યુનિયન દિલગીરી વ્યકત કરે છે.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
