News of Saturday, 24th January 2026
રવી સિઝનમાં ૧૦૫ ટકા રેકોર્ડ બ્રેક વાવેતર થયું
૨૦૨૫માં કુદરતી આપત્તિઓ છતાં : રવી સિઝનમાં મુખ્ય ગણાતા પિયત ઘઉંનું ૧૧૩.૬૬ ટકા વાવેતર

અમદાવાદ,તા.૨૪: ગુજરાતમાં ૨૦૨૫ના વર્ષમાં કુદરતી આપત્તિનો વારંવાર સામનો કર્યો હોવા છતાં રેકોર્ડ બ્રેક ૧૦૫.૮૮ ટકા રવી સિઝનનું જગતના તાત ગણાતા ખેડૂતોએ વાવેતર કર્યું છે. જે ગત વર્ષે આ સમયગાળામાં થયેલા વાવેતર કરતા ૮૦ હજાર હેકટર વિસ્તારમાં વધારો છે તો છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ વિસ્તાર કરતા ૨.૭૩ લાખ હેકટર વિસ્તારનો વધારો છે.
રવી સિઝનમાં મુખ્ય ગણાતા પિયત ઘઉંનું ૧૧૩.૬૬ ટકા વાવેતર કરાયું છે. તે ઉપરાંત અનેક પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. રવી ઋતુના રાજ્યમાં થયેલા વાવેતરના આંકડા પ્રમાણે કુલ ૪૯,૧૬,૫૭૦ હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે. જે ગત વર્ષે આ સમય દરમિયાન ૪૮,૩૬,૧૬૪ હેકટરમાં હતું. ત્રણ વર્ષના સામાન્ય વાવેતરની સરેરાશ પ્રમાણે ૪૬,૪૩,૪૩૯ હેકટર વિસ્તાર કરતા પણ વધુ છે. ગત વર્ષે ખરીફ ઋતુ દરમિયાન અતિવૃષ્ટિથી લઇને વાવેતર દરમિયાન અને પાક તૈયાર થઇ ગયો તે દરમિયાન પણ અવારનવાર ભારે નુકસાનકારક વરસાદ અને માવઠા ચાલુ રહ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા ૧૧ હજાર કરોડ રૂપિયા કરતા વધુના સહાય પેકેજ પણ નુકસાનમાંથી ખેડૂતોને બેઠા કરવા જાહેર કરાયા હતા. ખેડૂતોએ સંભવિત કુદરતી આપત્તિઓની પરવા કર્યા વિના રવી સિઝનમાં ધરખમ વાવેતર કર્યું છે. જો કે હાલ રાજ્યમાં અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે અને વરસાદ થઇ શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે તેના કારણે ખેડૂતોમાં ચિતાનો માહોલ સર્જાયો છે.
રાજ્યમાં બિન પિયત ઘઉંનું વાવેતર ૮૪.૭૫ ટકા, જુવારનું ૯૫.૪૬ ટકા, મકાઇનું ૧૨૨ ટકા, અન્ય ધાન્યનું ૧૦૩ ટકા, ચણાનું ૧૨૧ ટકા, અન્ય કઠોળનું ૧૦૦ ટકા, રાઇનું ૧૦૧ ટકા, અન્ય તૈલી પાકનું ૮૯ ટકા અને શેરડીનું ૯૪ ટકા જેટલું વાવેતર થવા પામ્યું છે.
શિયાળા દરમિાન હાલ શાકભાજીનું પણ જંગી વાવેતર થઇ રહ્યું છે. જેમાં સૌથી વધુ ડુંગળી અને બટાટાનું ૧૧૯ ટકા જેટલું વાવેતર કરાઇ રહ્યું છે. અન્ય પાક, ઇસબગુલ, વરિયાળી, જીરુ વિગેરેનું પણ નોંધપાત્ર વાવેતર છે ત્યારે ખેડૂતો આ સિઝનમાં સોળ આની પાક ઉતરે અને અગાઉના નુકસાનની ભરપાઇ થાય તેવી આશા રાખી રહ્યા છે.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
