તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th January 2026
કમુરતાં પૂરાં થતાં બજારમાં રોનકઃ શુભ પ્રસંગની ખરીદી શરૂ
લગ્ન માટે સોના-ચાંદીની ખરીદી માટે લોકો અવઢવમાં, ભાવ ઘટે તેની વાટ જોતા ખરીદદારો

અમદાવાદ તા.૧૭: અમદાવાદ સહિત દેશભરમાં લોકોએ ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરી. જુદા જુદા પ્રદેશોમાં ઉત્તરાયણની જુદી જુદી રીતે ઉજવણી થતી હોય છે. એક મહિના સુધી કમુરતાં હોવાથી કોઈ શુભ કાર્ય થતા નહોતા. ઉત્તરાયણ બાદ ફરીથી શુભ કાર્યોની શરૂઆત થતી હોય છે. તેના પગલે ૧૬મી તારીખથી અમદાવાદમાં વિવિધ શુભ કાર્યો શરૂ થઈ ગયા છે.
લોકોએ પોતાના નવા ઘર કે ઓફિસમાં વસ્તુપૂજન તથા ગૃહપ્રવેશ કર્યા છે. આગામી દિવસોમાં જેમણે લગ્નનું આયોજન કર્યું છે, તેમણે સારા દિવસોમાં ખરીદીની શરૂઆત કરી છે. તેના કારણે બજારોમાં તેજી જોવા મળી રહી છે. બીજી તરફ, ચાલુ વર્ષે વસંત પંચમીના લગ્ન માટે ખૂબ જ સારા મુહૂર્ત હોવાથી મોટી સંખ્યામાં લગ્નોના આયોજન થઈ રહ્યા છે.
ઉત્તરાયણના એક મહિના પહેલાં શુભ મુહૂર્ત ન હોવાથી શુભ કાર્યો અટકી ગયા હતા. ઉત્તરાયણથી કમુરતાં પૂર્ણ થતાં ફરીથી શુભ કાર્યો શરૂ થઈ ગયા છે. એક મહિના સુધી શહેરમાં કોઈ શુભ કાર્યો થતા નહોતા, જે હવે શરૂ થઈ ગયા છે. બિલ્ડરોએ ભૂમિપૂજન અને નવી સ્કીમોની શરૂઆત કરી દીધી છે. બીજી તરફ, જેમણે નવા મકાન કે ઓફિસ લીધી છે, તેમણે ગૃહપ્રવેશ સહિતની પૂજાઓ શરૂ કરાવી છે, જેથી ફરીથી શુભ કાર્યોનો આરંભ થયો છે.
તેના પગલે તમામ ધંધાઓમાં ફરી તેજી જોવા મળી રહી છે. લગ્ન માટેની ખરીદી શરૂ થતાં રતનપોળ અને કાપડ બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. રતનપોળના વેપારી મનોજ રાજપુરોહિતના જણાવ્યા મુજબ લાંબા સમય બાદ ફરીથી ઘરાકી જામી છે, તેના કારણે વેપારીઓને રાહત મળી છે. તમામ પ્રકારની ખરીદી શરૂ થતાં બજારોમાં ચહલપહલ જોવા મળી રહી છે.(૩૮.૫)
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
