તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th January 2026
ક્રિકેટ ફીવર વચ્ચે ટિકિટના કાળાબજારનું 'ગલી ક્રિકેટ': વડોદરામાં IND vs NZ મેચ પૂર્વે ક્રાઈમ બ્રાન્ચનો સપાટો, પાંચ ગણા ભાવે ટિકિટ વેચતા બે ઝડપાયા
ફતેપુરાના નાકે પોલીસનો જાળ બિછાવી દરોડો: ₹૨૦૦૦ની ટિકિટ ₹૧૦,૦૦૦માં પધરાવવાનું હતું પ્લાનિંગ, ૧૭ ટિકિટો સાથે કેતન પટેલ અને હિતેશ જોશી લોકઅપ ભેગા - મેચના ગણતરીના કલાકો બાકી છે ત્યારે 'બ્લેક'ના ખેલ પર પોલીસે ફેરવ્યું પાણી

વડોદરા:ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વડોદરાના આંગણે રમાનારી હાઈ-વોલ્ટેજ વન-ડે મેચનો રોમાંચ ચરમસીમાએ છે, ત્યારે આ રોમાંચનો ગેરફાયદો ઉઠાવી ગજવા ગરમ કરવા મથતા કાળાબજારિયાઓ પર વડોદરા ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. મેચની ટિકિટો માટે ક્રિકેટ રસિકો વલખાં મારી રહ્યા છે ત્યારે તેમની મજબૂરીનો લાભ લઈ પાંચ ગણા ઊંચા ભાવે ટિકિટો વેચતા બે શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. શહેરના ફતેપુરા ભાંડવાડાના નાકે ગુપ્ત બાતમીના આધારે વોચ ગોઠવીને ક્રાઈમ બ્રાન્ચે આ ઓપરેશન પાર પાડ્યું હતું, જેમાં સ્ટેડિયમની વીઆઈપી કેટેગરીની ગણાતી ૧૭ ટિકિટો કબ્જે કરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી મળી હતી કે કેટલાક શખ્સો છાનાખૂણે સોશિયલ મીડિયા અને પર્સનલ કોન્ટેક્ટ્સ દ્વારા ટિકિટના કાળાબજાર કરી રહ્યા છે. આ પાયાની માહિતી મળતા જ પોલીસની ટીમે ગ્રાહક બનીને જાળ બિછાવી હતી. દરોડા દરમિયાન છાણી વિસ્તારના કેતન શાંતિલાલ પટેલ અને નિઝામપુરાના હિતેશ મૂળશંકર જોશી નામના બે શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. તેમની ઝડતી લેતા લેવલ-૧ થી લઈને લેવલ-૩ સુધીની કુલ ૧૭ ટિકિટો મળી આવી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આ શખ્સો ટિકિટની મૂળ કિંમત કરતા અનેકગણી રકમ વસૂલીને મેચ જોવાની ઈચ્છા ધરાવતા યુવાનોને લૂંટી રહ્યા હતા.
પકડાયેલા આરોપીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલી ટિકિટોની વિગત મુજબ, કેતન પટેલ પાસેથી ૧૨ ટિકિટો મળી આવી છે, જ્યારે હિતેશ જોશી પાસેથી ૫ ટિકિટો કબ્જે કરાઈ છે. આ ટિકિટોની કિંમત ₹૧,૦૦૦ થી ₹૨,૦૦૦ ની આસપાસ હોવા છતાં તેઓ પ્રતિ ટિકિટ ₹૧૦,૦૦૦ સુધીની માંગણી કરી રહ્યા હતા. આટલી મોટી સંખ્યામાં આ શખ્સો પાસે ટિકિટો કેવી રીતે આવી? શું આમાં કોઈ ઇન્સાઇડર અથવા બુકિંગ એજન્સીનો હાથ છે? તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે રમતને નામે લૂંટ ચલાવનારાઓને છોડવામાં આવશે નહીં.
વડોદરામાં રમાનારી આ આંતરરાષ્ટ્રીય મેચને લઈને સુરક્ષા એજન્સીઓ પહેલેથી જ સતર્ક છે, ત્યારે સ્ટેડિયમની આસપાસ અને ઓનલાઇન પ્લેટફોર્મ પર પોલીસ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ઝડપાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને કાળાબજાર હેઠળ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરાઈ છે. આ ઘટના બાદ પોલીસ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે અધિકૃત વેબસાઇટ કે કાઉન્ટર સિવાય અન્ય કોઈ પણ અજાણી વ્યક્તિ પાસેથી ટિકિટ ન ખરીદવી, કારણ કે આવી ટિકિટો બનાવટી હોવાની પણ શક્યતા રહેલી હોય છે.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
