તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th January 2026
અમદાવાદમાં નકલી પોલીસનો અસલી આતંક: મહિલાનું અપહરણ કરી આચરાયું હેવાનિયતભર્યું દુષ્કર્મ, કોર્ટે નરાધમને અંતિમ શ્વાસ સુધી જેલના સળિયા ગણવા મોકલ્યો
ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હોવાનું નાટક કરી મહિલાને રિક્ષામાં ઉઠાવી ગયા, નિર્જન સ્થળે લઈ જઈ જબરજસ્તી દારૂ પીવડાવી આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય: સીટી સેશન્સ કોર્ટે 33 પુરાવાઓને આધારે પ્રકાશ દેસાણીને ફટકારી આજીવન કેદ અને 4 લાખનો દંડ

અમદાવાદ: ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં વર્ષ 2020માં બનેલી એક હૃદયદ્રાવક ઘટનામાં આજે ન્યાયની જીત થઈ છે. અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે નકલી પોલીસ બનીને મહિલાની ઇજ્જત લૂંટનારા નરાધમ પ્રકાશ દેસાણીને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસની વિગતો રૂંવાડા ઉભા કરી દે તેવી છે. મૂળ સુરેન્દ્રનગરનો આ શખ્સ ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને નિર્દોષ મહિલાઓને શિકાર બનાવતો હતો. કોર્ટે 32 સાક્ષીઓની જુબાની અને 33 જેટલા મજબૂત પુરાવાઓને આધારે આ નરાધમને કડકમાં કડક સજા સંભળાવી સમાજમાં એક દાખલો બેસાડ્યો છે.
આ ભયાનક ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે ભોગ બનનાર મહિલા રિક્ષામાં લાંભા તરફ જઈ રહી હતી. આરોપીએ પોતાની રિક્ષાથી મહિલાની રિક્ષા રોકી હતી અને પોતે ક્રાઈમ બ્રાન્ચમાંથી હોવાનું કહી મહિલા પર ચોરીનો ખોટો આક્ષેપ લગાવ્યો હતો. તપાસના નામે મહિલાને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન લઈ જવાનું કહી રિક્ષામાં બેસાડી દીધી હતી. રસ્તામાં આરોપીઓએ મહિલાના પ્રેમીને ફોન કરી 30 હજાર રૂપિયાની ખંડણી માંગી હતી. ગભરાયેલા પ્રેમીએ તાત્કાલિક 10 હજાર રૂપિયા ટ્રાન્સફર પણ કર્યા હતા, પરંતુ આરોપીઓની હેવાનિયત ત્યાં અટકી નહોતી.
મહિલાને એક ગાડીમાં બેસાડી આરોપીઓ ધોળકા પાસેના નિર્જન સ્થળે લઈ ગયા હતા. ત્યાં રસ્તામાં દારૂની બોટલ ખરીદી અને પીડિતાને જબરજસ્તી દારૂ પીવડાવ્યો હતો. જ્યારે મહિલાએ પ્રતિકાર કર્યો ત્યારે તેને ઢોર માર મારીને તેના કપડાં ઉતરાવ્યા હતા અને નરાધમે તેની પર વારંવાર દુષ્કર્મ તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જ્યારે આરોપીઓ નશામાં ચૂર થઈ ગયા ત્યારે હિંમત હાર્યા વગર પીડિતા ત્યાંથી ભાગી છૂટી હતી. રસ્તામાં તેને અન્ય બે મહિલાઓએ મદદ કરી હતી, જેમના સહારે તે સુરક્ષિત પોતાના ઘરે પહોંચી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
કોર્ટમાં ટ્રાયલ દરમિયાન આરોપીએ બચાવ કર્યો હતો કે તેણે દલિત સમાજમાં લગ્ન કર્યા હોવાથી તેને ફસાવવામાં આવ્યો છે, પરંતુ અદાલતે તેની તમામ દલીલોને ફગાવી દીધી હતી. ઓળખ પરેડમાં પણ પીડિતાએ આરોપીને સચોટ રીતે ઓળખી કાઢ્યો હતો. આખરે કોર્ટે આરોપીને અપહરણ, દુષ્કર્મ અને સરકારી અધિકારીની ખોટી ઓળખ આપવા બદલ આજીવન કેદ અને કુલ ચાર લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોલકાતાથી ઝડપાયેલા આ ગુનેગારને સજા મળતા પીડિતાએ રાહતનો શ્વાસ લીધો છે. આ ચુકાદો સમાજમાં એવો સંદેશ આપે છે કે કાયદો ગુનેગારોને ક્યારેય છોડતો નથી.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
