તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th January 2026
વડોદરામાં ક્રિકેટનો જંગ: કોટંબીના મેદાને ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો, 'સંસ્કારી નગરી'માં ખેલાડીઓનું ભવ્ય સ્વાગત
વર્ષો બાદ આંતરરાષ્ટ્રીય મેચને પગલે વડોદરામાં જબરદસ્ત ક્રેઝ: ટિકિટો માટે પડાપડી બાદ સ્ટેડિયમ હાઉસફુલ, સુરક્ષા માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત અને ટ્રાફિકના ખાસ આયોજન વચ્ચે રમાશે રસાકસીભરી મેચ

વડોદરા:વડોદરાના આંગણે રવિવારની સવાર ક્રિકેટના રોમાંચ સાથે ઉગી છે. કોટંબી ખાતે નવનિર્મિત બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ના સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વન-ડે મેચને લઈને શહેર આખું ક્રિકેટમય બની ગયું છે. વહેલી સવારથી જ સ્ટેડિયમના ગેટ પર ક્રિકેટ રસીકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. વર્ષોના લાંબા ઈંતજાર બાદ વડોદરાને આંતરરાષ્ટ્રીય મેચની યજમાની મળી હોવાથી દર્શકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ છે. માત્ર વડોદરા જ નહીં, પરંતુ સુરત, ભરૂચ અને અમદાવાદથી પણ મોટી સંખ્યામાં ચાહકો પોતાની મનપસંદ ટીમને પ્રોત્સાહિત કરવા સ્ટેડિયમ પહોંચી રહ્યા છે.
આ મેચની ટિકિટો માટે એવી પડાપડી થઈ હતી કે ઓનલાઈન બુકિંગ શરૂ થતાની ગણતરીની મિનિટોમાં જ તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી. ઈતિહાસમાં પ્રથમ વખત BCA ના સભ્યોએ પણ ટિકિટ માટે સામાન્ય લોકોની જેમ કતારમાં ઉભા રહેવું પડ્યું હતું, જે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, જેમને ટિકિટ નથી મળી તેઓ નિરાશ થયા વગર ટીવી અને મોબાઈલ સ્ક્રીન પર આ રોમાંચક મેચ માણવા સજ્જ થયા છે. મેચ પૂર્વે પ્રેક્ટિસ સેશન દરમિયાન રિષભ પંતને સ્નાયુ ખેંચાવાની સામાન્ય ઈજા થતા તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, જેને લઈને ચાહકોમાં ચિંતા જોવા મળી હતી, પરંતુ ભારતીય ટીમ અન્ય ધરખમ ખેલાડીઓ સાથે મેદાને ઉતરી છે.
ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા પોલીસ માટે એક મોટો પડકાર બની રહી છે. સ્ટેડિયમ હાઈવે પર આવેલું હોવાથી વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. હાઈવેની મુખ્ય ચોકડીઓ પર ટ્રાફિક જવાન તૈનાત કરવામાં આવ્યા છે અને પાર્કિંગ માટે વિશાળ જગ્યાની ફાળવણી કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પણ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જેથી કોઈ અણછાજતી ઘટના ન બને. સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં 'નો પાર્કિંગ' ઝોન જાહેર કરીને વાહનોની અવરજવરને સુવ્યવસ્થિત રાખવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, રવીન્દ્ર જાડેજા અને કે.એલ. રાહુલ જેવા દિગ્ગજ ખેલાડીઓને પોતાની નજર સામે રમતા જોવા માટે સુરતીઓ અને વડોદરાવાસીઓએ સ્ટેડિયમને ત્રિરંગાના રંગે રંગી દીધું છે. એરપોર્ટથી હોટલ અને હોટલથી સ્ટેડિયમ સુધી ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરાનું આ નવું સ્ટેડિયમ આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તૈયાર કરાયું હોવાથી આજની મેચ બંને ટીમો માટે નિર્ણાયક સાબિત થશે. હવે જોવાનું એ રહેશે કે વડોદરાની નસીબદાર પિચ પર ભારત વિજય મેળવીને ક્રિકેટ પ્રેમીઓને રવિવારની ખાસ ભેટ આપે છે કે કેમ.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
