<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

સુરતીલાલાઓએ સુવાલીના દરિયાકિનારે જમાવી જબરી મહેફિલ: બીચ ફેસ્ટિવલમાં માનવમહેરામણ ઉમટ્યું, બે જ દિવસમાં 2.15 લાખનો આંકડો પાર

ભૂમિ ત્રિવેદી અને ઓસમાણ મીરના સૂરતાલે હજારો સુરતીઓ ઝૂમ્યા: કાતિલ ઠંડી વચ્ચે પણ સુવાલીનો બીચ સહેલાણીઓના ઉત્સાહથી ગરમાયો, ભીડ પર નજર રાખવા માટે વહીવટીતંત્રે પ્રથમવાર AI કેમેરાનો હાઈટેક પહેરો ગોઠવ્યો

સુરત: ખાણીપીણી અને મોજમસ્તી માટે જાણીતા સુરતીઓએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ઉત્સવ ઉજવવામાં તેમનો કોઈ જોટો નથી. સુરત જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત 'સુવાલી બીચ ફેસ્ટિવલ-2026' હાલમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ફેસ્ટિવલના પ્રારંભિક બે દિવસમાં જ જનમેદનીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. શુક્રવારે 65 હજારથી શરૂ થયેલો પ્રવાહ શનિવાર આવતા સુધીમાં તો દોઢ લાખને પાર કરી ગયો હતો. ફૂલગુલાબી ઠંડી અને દરિયાના ઠંડા પવનો વચ્ચે સુરતીઓએ પરિવાર અને મિત્રો સાથે સુવાલીના આંગણે રજાઓની ભરપૂર મજા માણી હતી.
ફેસ્ટિવલની સાંજ સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી ઝગમગી ઉઠી હતી. પ્રથમ દિવસે લોકગાયક ઓસમાણ મીર અને આમિર મીરની જોડીએ ડાયરાની રમઝટ બોલાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા, જ્યારે બીજા દિવસે બોલીવુડ ફેમ ગાયિકા ભૂમિ ત્રિવેદીએ સ્ટેજ ગજવ્યું હતું. ભૂમિ ત્રિવેદીના ગીતો અને ગરબાની ધૂન પર હજારો સુરતીઓ મન મૂકીને નાચ્યા હતા. ધારાસભ્ય સંદિપ દેસાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સુરતીઓનો મિજાજ હંમેશા ઉત્સવપ્રિય રહ્યો છે અને આ ફેસ્ટિવલ દ્વારા સુવાલી બીચ હવે પ્રવાસન નકશા પર વૈશ્વિક સ્તરે ચમકી રહ્યો છે.
આટલી વિશાળ જનમેદનીને નિયંત્રિત કરવા માટે સુરત વહીવટીતંત્રે આ વર્ષે આધુનિક વિજ્ઞાનનો સહારો લીધો છે. બીચ પર સુરક્ષા અને ભીડના વ્યવસ્થાપન માટે ખાસ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેકનોલોજી ધરાવતા કેમેરા તૈનાત કરવામાં આવ્યા છે. આ હાઈટેક કેમેરા દ્વારા વાસ્તવિક સમયમાં 'હ્યુમન કાઉન્ટિંગ' એટલે કે લોકોની સચોટ ગણતરી કરવામાં આવી રહી છે, જેથી કોઈ પણ અપ્રિય ઘટનાને ટાળી શકાય અને ટ્રાફિક તેમજ ભીડનું યોગ્ય રીતે મોનિટરિંગ થઈ શકે. સુરક્ષાના આ કડક બંદોબસ્ત વચ્ચે સહેલાણીઓ નિર્ભય બનીને ઉત્સવનો આનંદ લઈ રહ્યા છે.
સુવાલી બીચ ફેસ્ટિવલ માત્ર મનોરંજન જ નહીં, પણ સ્થાનિક રોજગારી માટે પણ આશીર્વાદરૂપ સાબિત થયો છે. અહીં ઉભા કરવામાં આવેલા ફૂડ સ્ટોલ્સ અને એડવેન્ચર એક્ટિવિટીઝમાં લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. રવિવારની રજા હોવાથી આજે ત્રીજા દિવસે પણ રેકોર્ડબ્રેક ભીડ ઉમટે તેવી શક્યતા છે. મોડી રાત સુધી ચાલતા આ મહોત્સવે સુરતના દરિયાકિનારાને મિની ગોવામાં ફેરવી દીધો હોય તેવો અહેસાસ કરાવી દીધો છે.

(11:25 AM IST)