<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

'હરિ અને હર'ની તીર્થભૂમિ પ્રભાસ પાટણ; શિવ, શ્યામ અને સનાતન સંસ્કૃતિનું પવિત્ર સંગમ : સોમનાથ, ભાલકા તીર્થ અને પ્રાચી; સ્વાભિમાન, ભક્તિ અને જીવમાત્રની મુકિત (મોક્ષ) નું દ્વાર

પ્રભાસ પાટણની ભૂમિના કણ કણમાં શિવ, શ્યામ(કૃષ્ણ) અને આપણી સનાતન સંસ્કૃતિની ગાથા આજે પણ ગર્વભેર ગુંજે છે : ધર્મ, ધરોહર અને સનાતનના સ્વાભિમાન સાથે લહેરાતી ધ્વજાની આ ભૂમિમાં ભળેલા છે

ગીર સોમનાથ તા.૧૦ : પ્રભાસ પાટણ આ ભૂમિમાં ફક્ત સરસ્વતી કપિલા અને હિરણ્ય જેવી પવિત્ર નદીઓનું સંગમ જ નથી પરંતુ અનેક પવિત્ર અને પૌરાણિક સંગમો અહીંની ધર્મ, ધરોહર અને સનાતનના સ્વાભિમાન સાથે લહેરાતી ધ્વજાની આ ભૂમિમાં ભળેલા છે. પ્રભાસ પાટણ આ પવિત્ર સ્થળ, હિંદુ ધર્મના ઇતિહાસ અને પૌરાણિક કથાઓમાં અનન્ય સ્થાન ધરાવે છે. અહીં હર (ભગવાન શિવ) અને હરિ (ભગવાન વિષ્ણુના કૃષ્ણ અવતાર)ની પૂજા અને તેમની લીલાઓનું સંગમ થાય છે, જેના કારણે આને પ્રભાસ પાટણની આ પવિત્ર ભૂમિને 'હરિ અને હરની તીર્થભૂમિ' તરીકે ઓળખવામાં આવે છે. સ્કંદ પુરાણ, શિવ પુરાણ અને મહાભારત જેવા પૌરાણિક ગ્રંથોમાં આ સ્થળને મહત્વના તીર્થક્ષેત્ર તરીકે વર્ણન થયેલું છે, જ્યાં ત્રિવેણી સંગમ (હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓ) પર પિતૃ તર્પણ અને મોક્ષ પ્રાપ્તિનું મહત્વ છે. સોમનાથ મંદિર, ભાલકા તીર્થ, શ્રી કૃષ્ણની સમાધિ સ્થળ અને પ્રાચી તીર્થ આ પવિત્ર સ્થાનો આ ભૂમિના કણ કણમાં શિવ, શ્યામ(કૃષ્ણ) અને આપાણી સનાતન સંસ્કૃતિની ગાથા ગર્વ ભેર આજે પણ ગુંજે છે.

 

હર હર મહાદેવના આપને આંબતા નાદ સાથે સતત ગાજતું પવિત્ર જ્યોતિર્લિંગમાં પ્રથમ અને સૌથી પ્રાચીન સોમનાથ મહાદેવ મંદિર પ્રભાસ પાટણનું હૃદય છે. સમુદ્રના ઘૂઘવાટ અને વેદમંત્રોના નાદ વચ્ચે બિરાજતું 'સોમનાથ મહાદેવ'નું મંદિર એટલે માત્ર સ્થાપત્યનો નમૂનો નહીં, પણ ભારતની અતૂટ આસ્થા અને પુનરુત્થાનની જીવંત ગાથા છે.

'ચંદ્ર' (સોમ) ના નાથ તરીકે ઓળખાતા મહાદેવનું આ મંદિર દ્વાદશ જ્યોતિર્લિંગોમાં સર્વપ્રથમ અને સર્વોપરી ગણાય છે.ચંદ્ર(સોમ) એ આ સ્થળ પર જ્યોતિર્લિંગ સ્વરૂપે તેમને વિરાજમાન કર્યા છે જેથી આ મંદિરને 'સોમનાથ' (ચંદ્રના રક્ષક) કહેવાય છે. આ ભવ્ય અને દિવ્ય દેવાલય અનેક આક્રમણો પછી પણ આજે અડીખમ ઊભું છે, જે હિંદુ સભ્યતાની અજેય ભાવના અને હિન્દુ સંસ્કૃતિ માટે સ્વાભિમાનનું પ્રતીક છે.

સોમનાથ મંદિરનો ઈતિહાસ અનેક ચઢાવ-ઉતારનો સાક્ષી રહ્યો છે. અનેકવાર આક્રમણો છતાં, સોમનાથની આસ્થા ક્યારેય ડગી નથી. આઝાદી બાદ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી અને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે આ ભવ્ય નૂતન મંદિરનું નિર્માણ થયું, જે ભારતના આત્મગૌરવ અને 'સ્વાભિમાન'નું પ્રતીક બન્યું છે.

 

ભગવાન શ્રી કૃષ્ણ (હરિ)ની અંતિમ લીલાનું સાક્ષી

પ્રભાસ પાટણથી થોડે દૂર ભાલકા તીર્થ છે, જે ભૂમિ ભગવાન કૃષ્ણની અંતિમ લીલાની સાક્ષી બની. મહાભારત પછી યદુ વંશના વિનાશ બાદ, કૃષ્ણ પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા. અહીં તેઓ પીપળ વૃક્ષ નીચે યોગ સમાધિમાં બેઠા હતા, ત્યારે શિકારી જરાએ તેમના પગને હરણનું માનીને તીર માર્યું. આ ઘટના દ્વાપર યુગના અંત અને કલિ યુગની શરૂઆતનું પ્રતીક છે, જ્યાં કૃષ્ણે તેમના દેહ ત્યાગની તૈયારી કરી હતી. આ સ્થળ પર આજે મંદિર છે, જ્યાં કૃષ્ણની ત્રિભંગી મુદ્રામાં મૂર્તિ છે અને તુલસીનું વૃક્ષ રોપવામાં આવ્યું છે. તીરથી ઘાયલ કૃષ્ણ ત્રિવેણી સંગમ તરફ ચાલીને આવ્યા, જ્યાં તેઓએ દેહ ત્યાગ્યો. આ સ્થળને દેહોત્સર્ગ તીર્થ અથવા ગોલોકધામ તીર્થ કહેવાય છે. આ સ્થળ પર ગીતા મંદિર છે, જ્યાં કૃષ્ણે ઉદ્ધવને ગીતાના ઉપદેશ આપ્યા હોવાનું પણ માનવામાં આવે છે. આ તીર્થ મોક્ષ અને ભક્તિનું પ્રતીક છે, જ્યાં યાત્રીઓ આજે પણ કૃષ્ણની લીલાને યાદ કરે છે, વંદન કરે છે.

 

પ્રભાસ પાટણમાં પ્રાચી તીર્થ સરસ્વતી નદીના તીર પર આવેલું છે, જે પિતૃ તર્પણ અને પૂર્વજોના આશીર્વાદ માટે પ્રસિદ્ધ છે. પ્રાચી તીર્થ માટે ધર્મ ગ્રંથોમાં પણ એવું કહેવાયું છે કે, 'સો વાર કાશી અને એકવાર પ્રાચી' જ્યાં યજ્ઞવલ્ક્ય ઋષિએ સૂર્યની તપસ્યા કરીને શુક્લ યજુર્વેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. 

પૌરાણિક કથાઓ મુજબ, કુરુક્ષેત્રના યુદ્ધ પછી પાંડવો પિતૃઓના મોક્ષ અને યુદ્ધના પાપમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શ્રીકૃષ્ણની સલાહથી પ્રાચી આવ્યા હતા. તેમણે અહીં માધવરાયજીની પૂજા કરી અને સરસ્વતીના તટે તર્પણ વિધિ કરી હતી. પ્રાચીમાં ભગવાન શ્રીકૃષ્ણ 'માધવરાય' સ્વરૂપે બિરાજમાન છે. 'હરિ' અને 'હર' (ભીમનાથ મહાદેવ) ના સાનિધ્યમાં પિતૃ કાર્ય કરવાથી ત્રણ પેઢીના પિતૃઓનો ઉદ્ધાર થાય તેવી શ્રદ્ધા શ્રદ્ધાળુઓમાં રહેલી છે. પ્રાચી એ માત્ર ભૌગોલિક સ્થળ નથી, પણ પિતૃઋણમાંથી મુક્ત થવાનું પવિત્ર દ્વાર છે. જ્યાં પૂર્વાભિમુખ વહેતી સરસ્વતીના નીર અને પ્રાચીન મોક્ષ પીપળાની છાયામાં હજારો શ્રદ્ધાળુઓ પોતાના પૂર્વજોના કલ્યાણ અર્થે તર્પણ વિધિ કરે છે.

 

પ્રભાસ પાટણ એ માત્ર ભૂગોળના નકશા પરનું એક બિંદુ નથી, પરંતુ સનાતન ધર્મની ચેતનાનું અખંડ કેન્દ્ર છે. અહીં સોમનાથની આકાશને આંબતી ધ્વજા ભારતના અજેય સ્વાભિમાનની સાક્ષી પૂરે છે, તો ભાલકા અને દેહોત્સર્ગની શાંતિ ભગવાન શ્રીકૃષ્ણના વૈકુંઠ ગમનની દિવ્યતાને પ્રદર્શિત કરે છે. ઋષિ યાજ્ઞવલ્ક્યની તપોભૂમિ અને પાંડવોના પિતૃ તર્પણથી પવિત્ર થયેલું પ્રાચી તીર્થ, આ સમગ્ર ક્ષેત્રને જ્ઞાન અને મોક્ષના સંગમસ્થાન તરીકે સ્થાપિત કરે છે. 'હરિ' અને 'હર'ના આ અનોખા મિલનધામમાં વહેતી સરસ્વતી, કપિલા અને હિરણ્ય નદીઓ આજે પણ પ્રત્યેક શ્રદ્ધાળુના હૃદયમાં શ્રદ્ધા, સમર્પણ અને સંસ્કૃતિના અમર વારસાને જીવંત રાખે છે. ખરેખર, પ્રભાસની આ ભૂમિ એ શિવ, શ્યામ અને સનાતન સંસ્કૃતિનો અક્ષય તેજપુંજ છે.

(- બળવંતસિંહ જાડેજા- માહિતી ખાતુ)   

(3:41 PM IST)