<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

‘સોમનાથ સ્‍વાભિમાન પર્વ'માં સોમનાથ, સાગર અને સંગીતના ત્રિવેણી સંગમમાં ભક્‍તિના રંગે રંગાયા શ્રદ્ધાળુઓ

કીર્તિ-કરશન સાગઠિયા અને હાર્દિક દવેની સુરભરી રમઝટ અને રાજભા ગઢવીના સાહિત્‍યથી દેશભક્‍તિ અને શિવભક્‍તિનો અનોખો માહોલ સર્જાયોઃ જીતુભાઈ વાઘાણી તથા ડો. પ્રદ્યુમનભાઈ વાજાઃ સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્‍ય ભગવાનભાઈ બારડ, અગ્રણી શિવાભાઈ સોલંકી સહિત બહોળી સંખ્‍યામાં ભાવિકો ઉપસ્‍થિત

(દિપક કકકડ દ્વારા) વેરાવળ તા.૧૦  :..  સોમનાથ સ્‍વાભિમાન પર્વ અંતર્ગત મંદિર પરિસર ખાતે દરરોજ રાત્રે આયોજિત થતી સાંસ્‍કળતિક કાર્યક્રમોની શ્રેણીમાં ગઇ રાતે સાગર, સોમનાથ અને સંગીતનો અનોખો તથા અલૌકિક સમન્‍વય સર્જાયો હતો.

 સાગરની લહેરોની ગર્જના, સોમનાથ મહાદેવની પાવન હાજરી અને સંગીતની સુમધુર સૂરલહેરીઓએ સમગ્ર પરિસરને આધ્‍યાત્‍મિક અને સાંસ્‍કળતિક ઊર્જાથી ભરપૂર બનાવી દીધુ હતું. 

આ ભવ્‍ય સાંસ્‍કળતિક સાંજમાં પ્રખ્‍યાત ગાયક કીર્તિ સાગઠીયા તથા લોકપ્રિય લોકગાયક કરશન સાગઠિયાની જોડીએ મહાદેવના ભાવસભર ભજનો, વિવિધ ગરબા અને લોકપ્રિય ગીતોની મનમોહક રજૂઆત કરી હતી. સંગીતના તાલ સાથે શ્રોતાઓ ઝૂમી ઉઠ્‍યા હતા અને દરેક રચનાએ ભક્‍તિ, સંસ્‍કળતિ અને લોકભાવનાનો સંગમ સર્જ્‍યો હતો. 

હાર્દિક દવેએ શિવ સ્‍તુતિ, શિવ ભજન અને પાનબાઈના ભજનની રંગત જમાવી હતી, જેમાં એકતારાના સૂરે અલગ જ ભક્‍તિમય માહોલ બાંધ્‍યો હતો. કાર્યક્રમના અંતમાં જાણીતા લોક સાહિત્‍યકાર રાજભા ગઢવીએ લોક સાહિત્‍યના વિવિધ રસની શૈલીમાં રજૂઆત કરી હતી  સોમનાથના ઐતિહાસિક પ્રસંગો રજૂ કર્યા હતા. (પ-ર૦)

(11:38 AM IST)