તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th January 2026
અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જનો વિવાદ
નવા નિયમને કારણે મુસાફરોમાં ભારે રોષઃકેશ પેમેન્ટ કરનારને રૃ. ૧૦૦ વધુ ચૂકવવા પડશે, કૂપન ખોવાય તો રૃ. ૫૦૦ દંડ

અમદાવાદ : અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્કિંગના નવા નિયમોને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે.
એરપોર્ટ ઓથોરિટી દ્વારા ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના નામે લેવાયેલા નિર્ણય મુજબ, જો કોઈ મુસાફર કે તેમના પરિવારજનો પાર્કિંગ ચાર્જની ચુકવણી રોકડમાં કરશે, તો તેમણે નિયત ચાર્જ ઉપરાંત વધારાના ૧૦૦ રૃપિયા દંડ સ્વરૃપે ચૂકવવા પડશે. આ નવા નિયમને કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો તેને 'ખુલ્લી લૂંટ' ગણાવી રહ્યા છે.
સામાન્ય રીતે ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં જતા સ્વજનોને મૂકવા આવતા લોકો વધુ સામાનને કારણે પોતાની ખાનગી ગાડી લઈને એરપોર્ટ આવતા હોય છે. અત્યાર સુધીના નિયમ મુજબ, અડધા કલાક માટે ૫૦ રૃપિયા અને એક કલાક માટે ૮૦ રૃપિયા પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવતો હતો. પરંતુ નવા નિયમ મુજબ, જો તમે અડધો કલાક ગાડી પાર્ક કરો અને ૫૦ રૃપિયા કેશમાં આપવા માંગો, તો તમારે કુલ ૧૫૦ રૃપિયા ચૂકવવા પડશે. તેવી જ રીતે ૮૦ રૃપિયાના ચાર્જ સામે રોકડ ચુકવણી પર ૧૮૦ રૃપિયા વસૂલવામાં આવશે, જે સામાન્ય ચાર્જ કરતા બમણાથી પણ વધુ છે.
એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જની સાથે અન્ય કડક નિયમો પણ મુસાફરોની મુશ્કેલી વધારી રહ્યા છે. જો કોઈ મુસાફર ભૂલથી પણ પાર્કિંગની કુપન કે ટિકિટ ખોઈ નાખે, તો તેની પાસેથી સીધો ૫૦૦ રૃપિયાનો દંડ વસૂલવામાં આવે છે.
અમદાવાદ એરપોર્ટ પર અવારનવાર પાર્કિંગના દરો અને સુવિધાઓને લઈને વિવાદો સામે આવતા રહે છે. મુસાફરોનો આરોપ છે કે એરપોર્ટ મેનેજમેન્ટ માત્ર નફો કમાવવા પર ધ્યાન આપી રહ્યું છે અને સામાન્ય જનતાની સગવડને નજરઅંદાજ કરવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા અને એરપોર્ટ પરિસરમાં આ ૧૦૦ રૃપિયાના વધારાના 'કેશ હેન્ડલિંગ ચાર્જ' સામે પ્રવાસીઓ વિરોધ નોંધાવી રહ્યા છે અને આ અન્યાયી નિયમ પરત ખેંચવાની માંગ કરી રહ્યા છે.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
