<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

બુધવારે સ્‍ટેમ ક્‍વિઝ ૪.૦ નો પ્રિલીમ ટેસ્‍ટ : એક સાથે ૧ લાખ વિદ્યાર્થીઓ જોડાઈને રચશે ઈતિહાસ

 

રાજકોટ તા. ૫ : ગુજકોસ્‍ટ-ગાંધીનગર પ્રાયોજિત ‘નેશનલ સ્‍ટેમ ક્‍વિઝ ૪.૦' અંતર્ગત આગામી ૭ જાન્‍યુઆરી, ૨૦૨૬ને બુધવારના રોજ સવારે ૧૧ થી ૧૨.૩૦ દરમિયાન ‘ગોલ્‍ડન અવર' મેગા પ્રિલિમ ટેસ્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું છે, જેમાં રાજ્‍યભરના દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓ એકસાથે ઓનલાઈન મોડમાં કનેક્‍ટ થશે અને ઈતિહાસ સર્જશે.

ગુજકોસ્‍ટ-ગાંધીનગર પ્રાયોજિત ‘નેશનલ સ્‍ટેમ ક્‍વિઝ ૪.૦'માં રાજકોટ જિલ્લાના ધોરણ ૯ થી ૧૨ ના કુલ ૭૨,૨૯૩ વિદ્યાર્થીઓએ પોતાના નામ નોંધાયા છે. આ તમામ વિદ્યાર્થીઓ આ ઐતિહાસિક ઘટનામાં સહભાગી થાય તે માટે જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્‍ટેડ, સ્‍વનિર્ભર, કે.વી. અને જેએનવી શાળાઓને પૂર્વ તૈયારીઓ કરવા માટે આદેશ અપાયા છે.

‘ગોલ્‍ડન અવર' શાળાઓ માટે મહત્‍વની માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ માટે ઇન્‍ટરનેટ સુવિધા ધરાવતા કમ્‍પ્‍યુટર, ટેબ્‍લેટ કે લેપટોપ સહીતની ટેકનીકલ સુવિધા રાખવા અને જરૂર જણાયે વિદ્યાર્થીઓને સ્‍માર્ટફોન ઉપયોગમાં લેવાની સુવિધા કરવાની રહેશે.

લોગિન વિગતો તમામ રજીસ્‍ટર્ડ વિદ્યાર્થીઓના યુઝરનેમ અને પાસવર્ડની ચકાસણી કરી લેવી. જો વિગતો ન હોય તો (https://quizadmin. gujarat.gov.in/STEMAccount/Login) પર ગેટ યુઝર પાસવર્ડ દ્વારા મેળવી શકાશે.

આ અંગે વધુ માહિતી કે માર્ગદર્શન માટે રાજકોટ જિલ્લા સંયોજક સંસ્‍થા ઓ.વે.શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્‍દ્રના મીનેષ મેઘાણી (મો. ૯૯૭૮૮ ૨૫૮૨૯)નો સંપર્ક કરવા જણાવાયું છે. તમામ આચાર્યોને કાર્યક્રમના સુચારુ સંચાલન માટે સત્તાવાર વોટ્‍સએપ ગ્રુપમાં જોડાવા અનુરોધ કરાયો છે.

(4:30 PM IST)