તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th January 2026
સુરત સિવિલમાં હાઈવોલ્ટેજ ડ્રામા: અસ્થિર મગજની મહિલા બાંધકામના ઊંચા વાંસ પર ચઢી જતાં શ્વાસ અધ્ધર, ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યુ
નવનિર્મિત કોવિડ બિલ્ડિંગના જોખમી સ્ટ્રક્ચર પર ચઢીને મહિલાએ મચાવ્યો હંગામો; નીચે ઉતરવાને બદલે ઉપર ચઢતી રહી, કલાકોની જહેમત બાદ ફાયરના જવાનોએ મહિલાને મોતના મુખમાંથી હેમખેમ બહાર કાઢી

સુરત:સુરતની નવી સિવિલ હોસ્પિટલ આજે કોઈ હોસ્પિટલ નહીં પણ હાઈવોલ્ટેજ ડ્રામાનું મેદાન બની ગઈ હતી. હોસ્પિટલ કેમ્પસમાં નિર્માણાધીન કોવિડ વિભાગના બિલ્ડિંગ પાસે અચાનક ત્યારે અફરાતફરી મચી ગઈ જ્યારે એક અસ્થિર મગજની મહિલા બાંધકામ માટે ટેકો આપવા લગાવેલા ઊંચા વાંસ (Scaffolding) પર ચઢી ગઈ હતી. જોતજોતામાં મહિલા જોખમી રીતે વાંસના ટોચ પર પહોંચી ગઈ અને હંગામો મચાવવાનું શરૂ કર્યું. હોસ્પિટલમાં હાજર દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓ આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. મહિલાની હરકતો એટલી જોખમી હતી કે સહેજ પણ સંતુલન બગડે તો સીધું મોત નિશ્ચિત હતું, જેના કારણે સમગ્ર કેમ્પસમાં લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા જ હોસ્પિટલનો સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડ્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ બૂમો પાડીને અને સમજાવીને મહિલાને નીચે ઉતારવાના અનેક પ્રયત્નો કર્યા, પરંતુ અસ્થિર મગજની આ મહિલા કોઈનું પણ સાંભળવા તૈયાર નહોતી. ઉલટાનું, જેમ લોકો તેને નીચે આવવા વિનંતી કરતા તેમ તે વધુ ઉપર ચઢવા લાગી હતી. પરિસ્થિતિ ગંભીર બનતા તાત્કાલિક સુરત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરના જવાનો અત્યાધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે મહિલા જમીનથી અનેક ફૂટ ઊંચાઈ પર લટકી રહી હતી, જે દ્રશ્ય અત્યંત ભયાનક હતું.
ફાયર વિભાગના સાહસિક જવાનોએ મહિલાને બચાવવા માટે વ્યૂહરચના બનાવી હતી. એક તરફ જવાનોએ મહિલાનું ધ્યાન ભટકાવ્યું અને બીજી તરફ ફાયર ફાઈટર્સ સાવચેતીપૂર્વક વાંસ પર ચઢવાનું શરૂ કર્યું. હવામાં લટકતી હાલતમાં હોવા છતાં મહિલા સતત હંગામો કરી રહી હતી અને જવાનોને પોતાની પાસે આવતા રોકતી હતી. જોકે, ટ્રેન્ડ ફાયર જવાનોએ ધીરજ ગુમાવ્યા વગર અત્યંત કુશળતાપૂર્વક મહિલાને જકડી લીધી હતી. આ ઓપરેશન દરમિયાન નીચે ઉભેલા સેંકડો લોકો એકીટસે ઉપર જોઈ રહ્યા હતા અને જ્યારે જવાનોએ મહિલાને હેમખેમ પકડી લીધી ત્યારે સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
મહામહેનતે મહિલાને સુરક્ષિત રીતે જમીન પર ઉતારવામાં આવી હતી. નીચે લાવ્યા બાદ તુરંત જ તબીબી ટીમે તેની તપાસ કરી હતી. સદ્ભાગ્યે, આ આખા હંગામા દરમિયાન મહિલાને કોઈ ગંભીર શારીરિક ઈજા પહોંચી નહોતી, પરંતુ તેની માનસિક સ્થિતિ અત્યંત નબળી હોવાનું જણાયું હતું. હાલમાં તેને સિવિલ હોસ્પિટલના જ મનોચિકિત્સા વિભાગમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ જેવી વ્યસ્ત જગ્યાએ સુરક્ષામાં ક્યાં ચૂક રહી ગઈ કે મહિલા આટલી ઊંચાઈ પર ચઢી ગઈ, તે પણ હવે તપાસનો વિષય બન્યો છે. ફાયર વિભાગની આ સમયસૂચકતાને કારણે એક અસ્થિર મગજની મહિલાનો જીવ બચી ગયો હતો.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
