તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd January 2026
જરગામની આંગણવાડીનું કામ પૂર્ણ ન થતાં 84 જેવા બાળકો ખુલ્લામાં બેસી અભ્યાસ કરવા મજબૂર
બે વર્ષથી આંગણવાડીનું પોતાનું મકાન ન હોવાને કારણે આંગણવાડી વર્કરના મકાનમાં આંગણવાડી ચલાવે છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા: દેડિયાપાડાના નવ નિર્મિત ચીકદા તાલુકાના જરગામની આંગણવાડીના મકાનનું કામ અધૂરું રહેતા બાળકો આંગણવાડી વર્કરના મકાનમાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. જૂની આંગણવાડી જર્જરીત હોવાને કારણે બે વર્ષ પહેલાં આંગણવાડીને તંત્ર દ્વારા જર્જરિત જાહેર કરી નાના બાળકોને અન્ય જગ્યાએ શિક્ષણ આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. બે વર્ષના વહાણા વીતી ગયા હોવા છતાં આંગણવાડીના મકાનના બાંધકામનું કામ પૂર્ણ ન થતાં હાલ આંગણવાડી વર્કરના ઘરમાં ઓટલે બેસાડી બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે.
દેશમાં ગુજરાતને નંબર વન રાજ્ય અને મોડેલ તરીકે દર્શાવાય છે, ત્યારે ગુજરાતના નર્મદા જિલ્લામાં શિક્ષણના પાયામાં જ અસુવિધાઓ જોવા મળે છે. રાજ્યમાં શિક્ષણનું સ્તર તો જિલ્લામાં કથળેલું છે જ પરંતુ શિક્ષણ માટેની સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમયસર નથી બનતું. બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે તેમજ બાળક પાયાનું જ્ઞાન આંગણવાડીમાં મેળવે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે પરંતુ તેનો લાભ મળતો નથી.
નવ નિર્મિત ચીકદા તાલુકાના જરગામની આંગણવાડીને તંત્ર દ્વારા જર્જરિત જાહેર કરી હતી. નવી આંગણવાડીનું મકાન મંજુર થઈ ગયુ હોવા છતાં બે વર્ષ જેવો લાંબો સમયગાળો વીતી ગયો હોવા છતાં નાના ભૂલકાઓ ભાડાનાં મકાનમાં રહી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. જરગામની આંગણવાડી 84 જેટલા નાના બાળકો તેમજ 3 સગર્ભા બહેનોની તેમજ 7 જેટલી ધાત્રી માતાઓ હાલ ગુજરાત સરકારની યોજનાઓનો આંગણવાડીમાં લાભ લઈ રહ્યા છે. તંદુરસ્તી જળવાઈ રહે તેમજ નાના બાળકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે સરકાર વિવિધ યોજનાઓ બહાર પાડે છે જેનો લાભ આંગણવાડી મારફતે તમામ નાના બાળકો તેમજ સગર્ભા બહેનો સુધી પહોંચે છે. જ્યારે તેમને બેસવા માટેનું મકાન, શૌચાલય, પાણીની સુવિધા રમત ગમત માટેનું મેદાન તેમજ બિલ્ડીંગને ફરતે યોગ્ય કમ્પાઉન્ડ વોલ ન હોવાને કારણે અસુવિધા ઉભી થાય છે. જરગામ ખાતે ચાલતી આંગણવાડીના મકાનના બાંધકામ બાબતે તત્કાળ યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ ગ્રામજનો એ કરી છે .
ચિકદા તેમજ ડેડીયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં તેમજ અન્ય વિસ્તારોમાં જર્જરિત આંગણવાડીઓના મકાન આવેલા છે. કેટલાક જર્જરિત હોવાને કારણે બંધ કરવામાં આવ્યા છે. જેને કારણે આંગણવાડી વર્કર દ્વારા પોતાના ઘરે કે ભાડાના મકાન માં બેસી કામ કરવું પડે છે. તો કેટલીક આંગણવાડી ના મકાનનું બાંધકામ મંજૂર થયા બાદ એજન્સીઓ દ્વારા અધૂરું રાખવામાં આવ્યું છે કે બાંધકામ ઓન પેપર પૂર્ણ બતાવે છે તે એક તપાસ નો વિષય બન્યો છે
(11:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
