<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

મકરસંક્રાતિએ પવનમાં વધઘટ : અંબાલાલ

ઉત્તર ગુજરાત અને કચ્‍છમાં પારો ગગડશે, ઠંડી સાથે વાદળો પણ છવાશે

અમદાવાદ : ગુજરાતમાં શિયાળો હવે તેનો અસલી મિજાજ બતાવવા જઇ રહ્યો છે. જાણીતા હવામાન નિષ્‍ણાંત અંબાલાલ પટેલે રાજયમાં હાડ થીજવતી ઠંડી અને આગામી ઉત્તરાયણના પર્વને લઇ મહત્‍વની આગાહી કરી છે. વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની એક પછી એક અસરને કારણે રાજયના વાતાવરણમાં મોટો પલટો આવવાની શકયતા છે.

અંબાલાલ પટેલના જણાવ્‍યા અનુસાર ઉત્તર ગુજરાત અને કચ્‍છમાં પારો ગગડતા કડકડતી ઠંડીનો અનુભવ થશે. પાટણ, સમી, હારીજ અને સાબરકાંઠાના વિસ્‍તારોમાં લઘુત્તમ તાપમાન ૮ ડીગ્રી સેલ્‍સિયસ સુધી જઇ શકે છે. જયારે વડોદરામાં તાપમાન ૧ર થી ૧૩ ડીગ્રી આસપાસ રહેશે. પંચમહાલ અને ગિરનારના પર્વતીય વિસ્‍તારોમાં પણ કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે.

વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સના કારણે માત્ર ઠંડી જ નહીં પણ વાદળછાયું વાતાવરણ અને ભારે ધૂમ્‍મસનું જોર પણ જોવા મળશે. વહેલી સવારે વિજિબલિટી ઘટવાને કારણે વાહન વ્‍યવહાર પર માઠી અસર પડી શકે છે.

પતંગરસિયાઓ માટે ઉત્તરાયણના સમાચાર થોડા ચિંતાજનક છે. ૧૩, ૧૪ અને ૧પ જાન્‍યુઆરી દરમિયાન પવનની ગતિમાં સતત વધ-ઘટ જોવા મળશે. સવારે પવનની ગતિ અંદાજે ૬ કિમી પ્રતિ કલાક રહેશે. જે પતંગ ચગાવવા માટે ઓછી કહી શકાય. જયારે બપોર પછી પવનની ગતિ વધીને ૧૦ થી ૧ર કિમી સુધી પહોંચશે. જોકે  પવનની ગતિમાં સતત થતા ફેરફારને કારણે પતંગબાજોને પેચ લડાવવામાં અને પતંગ ઉંચે ચગાવવામાં મુશ્‍કેલ પડી શકે છે. ટૂકમાં આ વખતે ઉત્તરાયણમાં પતંગરસિયાઓએ પવનની સંતાકૂકડી વચ્‍ચે મજા લેવી પડશે.

(4:20 PM IST)