તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd January 2026
અમદાવાદમાં સરકારી કચેરીઓમાં ટ્રાફિક પોલીસની ખાસ ઝુંબેશ : હેલમેટ વગર આવતા કર્મચારીઓ સામે કાર્યવાહી
સરકારી કચેરીઓમાં આવતા-જતા અરજદારો તેમજ ખુદ સરકારી કર્મચારીઓ સહિત સૌ કોઈ ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા વિશેષ ડ્રાઈવ : વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવવી, જરૂરી દસ્તાવેજોનો અભાવ, સીટબેલ્ટ ન પહેરવો કે નંબર પ્લેટ સંબંધિત નિયમભંગ જેવા મુદ્દાઓ પર સઘન તપાસ

અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોનું કડકાઈથી પાલન સુનિશ્ચિત કરવા માટે એક વિશિષ્ટ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજે વહેલી સવારથી શહેરભરની તમામ સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પર ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. સરકારી કચેરીઓમાં આવતા-જતા અરજદારો તેમજ ખુદ સરકારી કર્મચારીઓ સહિત સૌ કોઈ ટ્રાફિક નિયમોનું પાલન કરે તે આ ખાસ ડ્રાઇવ યોજવામાં આવી છે.
આ ઝુંબેશ અંતર્ગત, ટૂ-વ્હીલર વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને હેલ્મેટ વગરના વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં સરકારી કર્મચારીઓને પણ કોઈ છૂટછાટ આપવામાં આવી નથી. ફોર-વ્હીલર વાહનોમાં પણ નિયમોનો ભંગ કરતા ચાલકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવવી, જરૂરી દસ્તાવેજોનો અભાવ, સીટબેલ્ટ ન પહેરવો કે નંબર પ્લેટ સંબંધિત નિયમભંગ જેવા મુદ્દાઓ પર સઘન તપાસ ચાલી રહી છે.
ટ્રાફિક નિયમનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. પોલીસ કમિશનર કચેરી બહાર પણ ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હેલ્મેટ વગર આવતા-જતા પોલીસકર્મીઓ અને સામાન્ય નાગરિકોને પણ નિયમભંગ બદલ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આ ખાસ ટ્રાફિક ડ્રાઈવ સવારે 8 વાગ્યાથી શરૂ થઈને રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે.
આ ઝુંબેશમાં ઉચ્ચ અધિકારીઓ જેવા કે મદદનીશ પોલીસ કમિશનર (ACP) અને નાયબ પોલીસ કમિશનર (DCP) કક્ષાના અધિકારીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. તેમને દિવસના અંત સુધીમાં નોંધાયેલા તમામ કેસોની વિગતવાર માહિતી આપવા સૂચના અપાઈ છે. ટ્રાફિક પોલીસના કર્મચારીઓ શહેરભરની વિવિધ સરકારી કચેરીઓ, જેમાં પોલીસ કમિશનર કચેરીનો પણ સમાવેશ થાય છે, ત્યાં તૈનાત રહીને સઘન ચેકિંગ કરી રહ્યા છે.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
