તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th December 2025
અમદાવાદમાં લુંટની ઘટનાને અંજામ આપે તે પુર્વે યુપીનો બિરેન્દ્ર ૩ દેશી કટ્ટા-કાર્ટીસ સાથે પકડાયો
અરવલ્લીના એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસની કાર્યવાહી ર્ઃ પકડાયેલ બિરેન્દ્ર અગાઉ ૭૩ લાખની લુંટના ગુન્હામાં અમદાવાદમાં પકડાઇ ચુકયો છે

રાજકોટ, તા., ૩૦ : અરવલ્લીના એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસે અમદાવાદમાં લુંટની ઘટનાને અંજામ આપવા જઇ રહેલ યુપીના શખ્સને દેશી બનાવટના ૩ કટ્ટા અને ૧૮ જીવતા કાર્ટીસ સાથે પકડી પાડી પુછતાછ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગર રેન્જ આઇજી વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શામળાજીના પીઆઇ એસ.એસ.માલ તથા પીએસઆઇ આર.જે.રાઠોડ ૩૧મી ડિસેમ્બર અનુસંધાને અણસોલ પોલીસ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા ત્યારે રાજસ્થાન તરફથી બાઇકમાં આવતો શખ્સને પોલીસે અટકાવતા તે શખ્સ ભાગી જતા પોલીસે પીછો કરી કડવઠ ગામની સીમમાં આવેલ આશીષ હોટલ સામેથી તેને દબોચી લઇ પુછપરછ કરતા તેણે પોતાનું નામ બિરેન્દ્રકુમાર ચંદ્રરચાલ ખટીક (રહે. સાહીબાબાદ, જી. ગાઝીયાબાદ (યુ.પી.)નો હોવાનું જણાવેલ અને તેના બાઇકની તલાશી લેતા ૩ દેશી બનાવટના કટ્ટા તથા ૧૮ જીવતા કાર્ટુસ મળી આવતા તેની બાઇક સહિત ૧.૪૦ લાખના મુદામાલ સાથે ધરપકડ કરાઇ હતી.
પકડાયેલ બિરેન્દ્રની પોલીસે પુછપરછ કરતા તેમજ મોબાઇલ ચેક કરતા અમદાવાદના મોલ, હોટલ, બેન્કો તથા મકાનોના ફોટા અને વિડીયો જોવા મળતા આ શખ્સ હથિયારો સાથે કોઇ ગંભીર પ્રકારની ઘટનાને અંજામ આપવા જઇ રહયાનું પ્રાથમીક તપાસમાં ખુલ્યું હતું. પકડાયેલ બિરેન્દ્ર સામે અમદાવાદ બોપલ પોલીસ મથકમાં ચેઇન સ્નેચીંગ તથા ૭૩.૧૦ લાખની લુંટનો અગાઉ ગુન્હો નોંધાયો છે.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
