<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

બસ, ટ્રેન અને પ્‍લેન બધુંજપેકઃ મંદિરોથી લઈ પર્યટન સ્‍થળો હાઉસફૂલ

નવા વર્ષને વધાવવા ગુજરાતીઓમાં જબરો ક્રેઝ, આબુમાં ઠંડી છતાં પ્રવાસીઓનો ગરમાવો : હોટલ અને રિસોર્ટ તેમજ ધર્મશાળાઓએ પણ તકનો લાભ ઉઠાવી ભાડામાં બમણો વધારો કર્યો : અંબાજીમાં શ્રદ્ધાળુઓનું રોયમાં ૩ કલાક વાઇટિંગ

અમદાવાદ,તા.૩૦: વર્ષ ૨૦૨૫ની વિદાય અને વર્ષ ૨૦૨૬ના આવકાર માટે ગુજરાતીઓમાં અનેરો આનંદ, ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. વર્ષના પ્રથમ દિવસની શુભશરૂઆત કરવા માટે હજારો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ સહપરિવાર રાજ્‍યના પ્રખ્‍યાત ધાર્મિક તથા પર્યટન સ્‍થળોએ પહોંચી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં દ્વારકા, સોમનાથ, ગીરનાર અને પાલીતાણા જેવા પવિત્ર ધાર્મિક સ્‍થળોએ વહેલી સવારથી જ ભક્‍તોની લાંબી કતારો જોવા મળી રહી છે. મંદિરોમાં વિશેષ આરતી, પૂજા અને ભજન-કિર્તનનું આયોજન કરવામાં આવ્‍યું છે. હોટલ અને રિસોર્ટ તેમજ ધર્મશાળાઓ હાઉસફૂલ થઈ ગઈ છે. અમદાવાદથી ઉપડતી વિવિધ ટ્રેનો, બસો પણ હાઉસફૂલ થઈ ગયા છે. હવાઈ ભાડા પણ આસમાને પહોંચ્‍યા છે. સૌરાષ્ટ્રમાં બેટ દ્વારકા, શિવરાજપુર બીચ, ધોધા બીચ, તુલસીશ્‍યામ મંદિર, ભાલકા તીર્થ, રાજપરા ખોડિયાર માતાજી મંદિર, ગીર નેશનલ પાર્ક, ગીરનાર વન્‍યજીવ અભયારણ્‍ય, મિતિયાલા અને બારડા વન્‍યજીવ અભયારણ્‍ય, ગઢડા સ્‍વામિનારાયણ મંદિર, સાળંગપુર હનુમાન મંદિર ખાતે મોટી સંખ્‍યામાં લોકો ઉમટી રહ્યા છે. બનાસકાંઠામાં અંબાજી મંદિર, ગબ્‍બર પર્વત, જેસોર સ્‍લોથ બિયર અભયારણ્‍ય, પાટણ જિલ્‍લામાં રાણકી વાવ, મહેસાણામાં મોઢેરા સુર્યમંદિર, તારંગા જૈન મંદિરમાં પણ એટલી જ ભીડ જામી રહી છે. સાબરકાંઠામાં પોલો ફોરેસ્‍ટ, ઈ ડર કિલ્‍લો, શામળાજી મંદિર, કચ્‍છમાં રણોત્‍સવ, ધોળાવીરા, સફેદ રણ, કાળો ડુંગર, માતાનો મઢ, પંચમહાલમાં પાવાગઢ મંદિર, ડાંગમાં સાપુતારા, ગિરા વોટરફોલ્‍સ, માઉન્‍ટ આબુ સહિતના વિસ્‍તારોમાં લોકો મોટી સંખ્‍યામાં હાલ ઉમટી પડયા છે. દીવ, દમણ, ગોવા તેમજ દરિયાકાંઠાના વિસ્‍તારોમાં મોટી સંખ્‍યામાં લોકો ઉમટી રહ્યા છે. શ્રદ્ધાળુઓ ખાનગી બસોમાં વારાણસી, ઉજજૈન, ત્રિવેણી સંગમ, હરિદ્વાર સહિતના પર્યટન સ્‍થળોએ જવા રવાના પણ થઈ ગયા છે. માઉન્‍ટ આબુમાં હાલ માઈનસ ડિગ્રીમાં તાપમાન ચાલી રહ્યું છે. ત્‍યાં પણ મોટી સંખ્‍યામાં ગુજરાતી પર્યટકો ઉમટી પડયા છે. પાવાગઠ ખાતે તો રોપ વે માં બેસવા માટે ૩ કલાક લાંબી રાહ જોવી પડી રહી છે.

 તા.૩૦ ડિસેમ્‍બરના અમદાવાદથી હવાઇ ભાડાં

સ્‍થળ        નોન-સ્‍ટોપ   વન-ટુ-સ્‍ટોપ

ગોવા        ૧૩,૭૨૬     ૮૫,૫૬૪

જોધપુર     ૫,૭૨૨      ૩૮,૨૭૪

વારાણસી    ૧૧,૬૩૫     ૧,૦૮,૦૨૯

જયપુર      ૧૧,૮૮૨     ૩૩,૮૨૩

મુંબઈ       ૧૨,૨૫૪       ૨૯,૩૮૩

(નોંધઃ તા. ૨૯ ડિસેમ્‍બરે જોવા મળતું મહતમ ભાડું છે)

તા.૩૦ ડિસેમ્‍બરના અમદાવાદથી ખાનગી બસ ભાડાં

સ્‍થળ        ભાડું

મુંબઈ       ૪૦૦૦

ઈન્‍દોર      ૪,૯૦૦

ઉદયપુર    ૫૦૦૦

પુને ૪,૭૫૦

(નોંધઃ તા. ૨૯ ડિસેમ્‍બરે જોવા મળતું મહતમ ભાડું છે)

(10:18 AM IST)