<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીગ્રામ વિદ્યાલય દેથલી ખાતે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી

ખેડૂતો સાથે સંવાદ કરીને પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને વધારે તૈયાર કરવા જોઈએ તેમજ તે અંગે વધારે જાગૃતિ ફેલાવવી જોઈએ.

નડિયાદ: ખેડા જિલ્લાના માતર તાલુકાના દેથલી ગામે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીગ્રામ વિદ્યાલય દેથલી ખાતે મોટાભાઈ સત્યેન્દ્રભાઈ ચતુરભાઈ પટેલ માઘરોલ અતિથિ ભવન ખાતે વહીવટી તંત્રના અધિકારીઓ અને "આત્મા" તેમજ ખેતીવાડી અધિકારીઓની પ્રાકૃતિક કૃષિ સંબંધે બેઠક યોજી હતી.
પ્રાકૃતિક કૃષિ સંદર્ભે માતર તાલુકામાં થયેલી કામગીરી જાણીને તેમણે જિલ્લા વિકાસ અધિકારી તેમજ સંબંધિત અધિકારીઓને તાલુકામાં વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા માટે પ્રેરાય તે માટે તાલીમનું આયોજન કરવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, "પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત, મોડલ ફાર્મ, દેશી ગાય રાખતા ખેડૂતોને પ્રમાણિત કરીને એફએમટી- ફાર્મર માસ્ટર ટ્રેનર બનાવવા જોઈએ. પ્રાકૃતિક કૃષિ મિશન હેઠળ ગ્રામજનો વચ્ચે જઈને તેમજ ખેડૂતો સાથે સંવાદ કરીને પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને વધારે તૈયાર કરવા જોઈએ તેમજ તે અંગે વધારે જાગૃતિ ફેલાવવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, માતર તાલુકામાં ૪૯ ગામ છે અને ૧૬ ક્લસ્ટર છે ત્યારે રાજ્યપાલએ ગામેગામ મોડલ ફાર્મ બનાવવાની તૈયારી કરવા માટે જણાવ્યું હતું.
આ બેઠકમાં ઇન્ચાર્જ કલેકટર અને મહાનગરપાલિકાના કમિશનર જી.એચ .સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર ,નિવાસી અધિક કલેકટર જે.બી. દેસાઈ, ખેડા પ્રાંત અધિકારી સુરજભાઈ બારોટ, કૃષિ વિકાસ કેન્દ્ર દેથલીના સિનિયર સાયન્ટિસ્ટ અને કોઓર્ડીનેટર પી. કે. શર્મા, ખેતીવાડી અધિકારી આર .ડી. પટેલ, "આત્મા" પ્રોજેક્ટ મેનેજર સી. આર. પટેલ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના આરીફ શેખ તેમજ પ્રચારક ધર્મેન્દ્ર ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા

(8:37 PM IST)