News of Sunday, 28th December 2025
કડકડતી ઠંડી માટે તૈયાર રહો : રાજ્યમાં ચારથી પાંચ દિવસ બાદ તાપમાન વધુ ગગડશે : અંબાલાલ પટેલની આગાહી
ઉત્તર પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને તેજ પવનની શક્યતા છે, જેની અસરથી ગુજરાતમાં પણ ઠંડી વધુ તીવ્ર બની શકે

અમદાવાદ :ગુજરાતમાં ઠંડી વધી રહી છે. મોટા ભાગના વિસ્તારમાં ઠંડી હવે વધી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ચારથી પાંચ દિવસ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે. આવો જાણીએ કયા વિસ્તારમાં ઠંડી પડશે.
શનિવારે રાજ્યમાં નલિયા સૌથી ઠંડું સ્થળ રહ્યું હતું, જ્યાં લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 15.1 ડિગ્રી, વડોદરામાં 14.6 ડિગ્રી, રાજકોટમાં 14.4 ડિગ્રી અને સુરતમાં 17.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસ સુધી હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ ત્યારબાદ ઠંડીમાં વધારો થશે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં શીત લહેર અને ગાઢ ધુમ્મસનો પ્રભાવ યથાવત છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કડકડતી ઠંડી અનુભવાઈ શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આવનારા દિવસોમાં ઉત્તર પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને તેજ પવનની શક્યતા છે, જેની અસરથી ગુજરાતમાં પણ ઠંડી વધુ તીવ્ર બની શકે છે. જેના કારણે જાન્યુઆરીના અંત સુધીમાં ભારે ઠંડી પડશે.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
