તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th December 2025
રાજપીપલાની એમ. આર. આર્ટ્સ એન્ડ સાઇન્સ કોલેજનું ગૌરવ

( ભરત શાહ દ્વારા ) નર્મદા : રાજપીપલા સ્થિત એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ માં તાજેતરમાં દ્વિતીય વર્ષના ચોથા સેમિસ્ટરમાં અભ્યાસ કરતા બે તેજસ્વી વિદ્યાર્થીઓ અતુલ વસાવા અને સુદામ વસાવાએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એથ્લેટિક્સ ટીમમાં પસંદગી પામીને સંસ્થાનું નામ રાજ્ય કક્ષાએ ગૌરવાન્વિત કર્યું છે. રમતગમતના ક્ષેત્રમાં યુનિવર્સિટી કક્ષાની ટીમમાં સ્થાન પ્રાપ્ત કરવું એ અત્યંત કઠિન અને કસોટી સમાન ગણાય છે.
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્વારા આયોજિત એથ્લેટિક્સ પ્રતિસ્પર્ધામાં અતુલ વસાવાએ ૮૦૦ મીટર દોડ સ્પર્ધામાં પ્રથમ સ્થાન, તો સુદામ વસાવાએ ૧૫૦૦ મીટર દોડ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી યુનિવર્સિટીની રાષ્ટ્રીય સ્તરની એથ્લેટિક્સ ટીમમાં સ્થાન મેળવ્યું છે.
આ ઐતિહાસિક સિદ્ધિને રેખાંકિત કરતું એ વિશેષ તત્વ એ છે કે આ બંને હોનહાર વિદ્યાર્થીઓ સાગબારા અને ડેડીયાપાડા જેવા અંતર્યાળ વિસ્તારોમાંથી આવે છે. કોલેજના પ્રચાર્ય ડૉ. શૈલેન્દ્રસિંહ માંગરોલાએ આ સિદ્ધિને 'શિક્ષણ અને રમતનો સુમેળ' ગણાવીને બંને વિદ્યાર્થીઓના સંયમ અને સાધનાની પ્રશંસા કરી છે. કોલેજના જિમખાના વિભાગના પ્રાધ્યાપક ડૉ. રાહુલ ઠક્કર અને ડૉ. કમલ ચૌહાણે આ સિદ્ધિને વિદ્યાર્થીઓની નિષ્ઠા અને માર્ગદર્શકોના સહકારનું ફળ જણાવ્યું છે. સમગ્ર કોલેજ સ્ટાફ પરિવારે આ ઉપલબ્ધિ પર આનંદ અને ગર્વ વ્યક્ત કરી બંનેને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
આગળ આ બંને ખેલાડીઓ સુરત યુનિવર્સિટી ખાતે આયોજિત થઈ રહેલા દસ દિવસના વિશેષ તાલીમ શિબિરમાં ભાગ લેશે અને ત્યારબાદ નજીકના સમયમાં બેંગલોર ખાતે આંતર-વિશ્વવિદ્યાલય, રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવા પ્રસ્થાન કરશે.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
