<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

કેન્‍દ્ર સરકાર નેમ ચેન્‍જરઃ ૩૦થી વધુ યોજનાઓના નામ બદલ્‍યા

કોંગ્રેસ વખતની યોજનાઓનો શ્રેય લેવાનો પ્રયાસઃ મનિષ દોશી

અમદાવાદ તા. ર૩: વર્ષ ૨૦૧૪ ચૂંટણી પહેલા મોટી મોટી GAME CHANGER - ગેમ ચેન્‍જર (બદલાવ)ની વાતો કરતી મોદી સરકારને NAME CHANGER - નેમ ચેન્‍જર ગણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્‍વીનર અને પ્રવક્‍તા ડો. મનિષ દોશીએ જણાવ્‍યું હતું કે, મોદી સરકાર હવે ‘નેમ ચેન્‍જર' તરીકેની હકીકતમાં પરિવર્તિત થઈ ગઈ છે. છેલ્લા ૧૧ વર્ષમાં મોદી સરકારની આ માનસિકતા સ્‍પષ્ટપણે ઉજાગર થઈ છે, જેમાં તેઓ કોંગ્રેસ શાસન દરમિયાન શરૂ કરાયેલી જનતાલક્ષી યોજનાઓના નામ બદલીને પોતાનો શ્રેય લેવાના પ્રયાસો કરી રહ્યા છે.

કોંગ્રેસ પાર્ટીએ હંમેશા સામાજિક ન્‍યાય, દેશના કલ્‍યાણ અને ભારતના ભવિષ્‍યને ધ્‍યાનમાં રાખીને અનેક યોજનાઓ શરૂ કરી છે, જે લાંબા ગાળાની પ્રગતિ માટે માઈલસ્‍ટોન સાબિત થઈ છે અને દેશના નાગરિકોને વ્‍યાપક લાભ આપી રહી છે. જોકે, ભાજપા સરકારમાં દીર્ઘદૃષ્ટિનો અભાવ અને નવી યોજનાઓ પ્રત્‍યે ઉદાસીન વલણને કારણે તેઓ કોંગ્રેસની યોજનાઓના નામ બદલીને માત્ર રાજનીતિ કરી રહ્યા છે. કોંગ્રેસ શાસનમાં શરૂ થયેલી ૩૦થી વધુ જનતાલક્ષી યોજનાઓના નામ બદલીને સરકારે પોતાને ‘‘નેમ ચેન્‍જર'' તરીકેની સિદ્ધિ મેળવી છે. 

તાજેતરના ઉદાહરણ તરીકે, ડિસેમ્‍બર ૨૦૨૪માં મોદી સરકારે મહાત્‍મા ગાંધી રાષ્‍ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા)નું નામ બદલીને ‘‘વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્‍ડ આજીવિકા મિશન (ગ્રામીણ)'' કરવા માટેનું બિલ મંજૂર કર્યું છે. આ ૨૦૧૪ પછીની લાંબી શ્રેણીમાં સમાવિષ્ટ છે, જેમાં ૩૦થી વધુ કલ્‍યાણકારી કાર્યક્રમોના નામ બદલાયા છે. કોંગ્રેસે ૧૯૭૫થી ૨૦૧૩ વચ્‍ચે શરૂ કરેલી ૩૨ યોજનાઓના નામોને પણ આ રીતે બદલી નાખવામાં આવ્‍યા છે. 

ગુજરાતમાં પણ વી.એસ. હોસ્‍પિટલ, સ્‍ટેડિયમ કે આશ્રમ જેવી જગ્‍યાઓના નામ બદલાયા છે. શિક્ષણ ક્ષેત્રમાં પણ ભાજપા સરકારે યુવાનોનું શિક્ષણ છીનવી લીધું છે. 

મોદી સરકારની આ ‘‘નેમ ચેન્‍જર'' નીતિને કારણે યોજનાઓના નામ બદલવા અને તેની જાહેરાતો પાછળ કરોડો રૂપિયા ખર્ચાશે, જેમાં અંદાજે કરોડો રૂપિયા સરકારી તિજોરીમાંથી એટલે કે પ્રજાના પૈસામાંથી વેડફાશે. આ પ્રકારની રાજનીતિ દેશની પ્રગતિને અવરોધે છે તેમ ડો. મનિષ દોશી જણાવે છે.

(3:04 PM IST)