તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd December 2025
લાખો રૃપિયા પડાવીને લગ્નના બે જ દિવસમાં રફુચક્કર થઈ ગઈ પરિણીતા
સુરતનો લાલબત્તી સમાન કિસ્સોઃઆરોપીઓ દ્વારા લગ્નના બહાને રૃ. ૧.૩૦ લાખની રકમ ઉઘરાવી પીડિતને છેતરવામાં આવ્યો હતો

સુરત : સુરત શહેરમાં લગ્નના નામે છેતરપિંડી કરતી લૂંટેરી દુલ્હન ગેંગ સામે ચોકબજાર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મહારાષ્ટ્રના બોઇસર વિસ્તારમાંથી ગેંગના બે મુખ્ય આરોપીઓને ઝડપી લઇ સુરત લાવવામાં આવ્યા છે. આરોપીઓ દ્વારા લગ્નના બહાને રૃ. ૧.૩૦ લાખની રકમ ઉઘરાવી પીડિતને છેતરવામાં આવ્યો હતો.
લગ્નના નામે ગોઠવાયેલી સુનિયોજિત છેતરપિંડી ફરીયાદી દ્વારા આપવામાં આવેલી ફરિયાદ અનુસાર, જુલાઇ-૨૦૨૫થી ૨૬ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન આરોપીઓએ પૂર્વયોજિત કાવતરું રચ્યું હતું. આરોપી રેખાદેવી યાદવ સાથે લગ્ન કરાવવા માટે તેના ડોક્યુમેન્ટમાં ફેરફાર કરવો, સગાઇ તથા ફુલહારથી લગ્ન કરવાના બહાને ફરીયાદી પાસેથી ટુકડે-ટુકડે કુલ રૃ. ૧૩૦૦૦ની રકમ ઉઘરાવવામાં આવી હતી.
લગ્ન બાદ રેખાદેવી માત્ર બે દિવસ ફરીયાદીના ઘરે રહી હતી. ત્યારબાદ પ્રોપર્ટીના કામકાજનું બહાનું બનાવી ગામ જવ છું કહીને ઘરેથી નીકળી ગઈ અને પરત આવી નહીં. જે બાદ તેણે મોબાઇલ ફોન બંધ કરી દીધો અને મહારાષ્ટ્ર સ્થિત રહેણાંક પણ ખાલી કરી દીધું. જેના પગલે ફરીયાદીને છેતરપિંડી થયાનું સ્પષ્ટ બન્યું.
ફરિયાદ નોંધાતા ચોકબજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એન.જી. ચૌધરીએ તપાસ પીએસઆઈ એ.એચ. નિનામાને સોંપી અને આરોપીઓને પકડવા મહારાષ્ટ્ર મોકલ્યા. પોલીસ ટીમે બોઇસર વિસ્તારમાં ટેકનિકલ એનાલિસિસ કર્યું અને આરોપીઓની અવરજવર ધરાવતા વિસ્તારો પર નજર રાખી. ચા-નાસ્તાની લારીઓ અને કરિયાણાની દુકાનદારો સાથે વિશ્વાસ સ્થાપી,
સતત વોચ દરમિયાન આરોપી અજય ઉર્ફે સોનું ગુપ્તા ચાની લારી પાસે સિગારેટ પીવા આવતો હોવાનું જાણવા મળ્યું. યોગ્ય તક મળતાં પોલીસ ટીમે તેને ઝડપી લીધો. તેની પૂછપરછના આધારે લૂંટેરી દુલ્હન બનેલી રેખાદેવીને પણ પકડી લેવામાં આવી.
યોજના આરોપીઓની પૂછપરછમાં ખુલ્યું કે એજન્ટ અશ્વિન પાટીલ દ્વારા આ આખું કૌભાંડ ચલાવવામાં આવતું હતું. અશ્વિન પાટીલ વોટ્સએપ મારફતે યુવતીઓના ફોટા મોકલતો હતો, જેમાંથી રેખાદેવીનો ફોટો પસંદ થતાં ફરિયાદીને સંપર્ક નંબર આપવામાં આવ્યો હતો. અજય ઉર્ફે સોનું ગુપ્તા પોતાને રેખાદેવીનો બનેવી હોવાનું જણાવીને ફરીયાદી સાથે સંપર્કમાં રહ્યો અને લગ્નની તમામ વ્યવસ્થા કરી. લગ્ન બાદ મેળવેલી રકમ એજન્ટ અશ્વિન પાટીલ સુધી પહોંચાડવામાં આવી હોવાની પણ માહિતી સામે આવી છે.રેખાદેવી વિરેન્દ્રકુમાર યાદવ (ઉ.વ. ૩૫, રહેવાસીઃ બોઇસર, પાલઘર (મહારાષ્ટ્ર)મૂળ વતનઃ ઉત્તરપ્રદેશ) લગ્નના નામે થતી આવી છેતરપિંડી સામે ચોકબજાર પોલીસની આ કાર્યવાહી અન્ય લોકો માટે ચેતવણીરૃપ છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે લગ્ન સંબંધિત કોઈપણ વ્યવહારમાં પૂરતી તપાસ અને સાવચેતી રાખે.
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
