તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st December 2025
પાલનપુરમાં જિલ્લા પંચાયતની બહુમાળી બિલ્ડીંગ જર્જરિત: 18 કચેરીઓ અન્યત્ર ખસેડાઈ: અરજદારો મુશ્કેલીમાં મુકાયા
35 વર્ષ જૂની જર્જરિત ઇમારતને કારણે કચેરીઓમાં ફેરફાર થતા અરજદારો પરેશાન: દૂરના તાલુકાઓમાંથી આવતા લોકોને હાલાકી

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં આવેલા જિલ્લા પંચાયતનું બહુમાળી મકાન જર્જરિત હાલતમાં હોવાથી અચાનક અંદાજે 18 જેટલી કચેરીઓને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ખસેડી દેવામાં આવી છે. પરંતુ આ ફેરફાર અંગે અગાઉથી કોઈ જાહેર સૂચના કે જાહેરાત ન આપવામાં આવતા અરજદારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને ધાનેરા, કાંકરેજ, દાંતા જેવા દૂરના તાલુકાઓમાંથી આવતા અરજદારો રોજબરોજ અહીં ધક્કા ખાઈ રહ્યા છે અને આખો દિવસ વેડફવો પડી રહ્યો છે.
જિલ્લા પંચાયતની કચેરીઓ છેલ્લા 35 વર્ષથી એક જ સ્થળે કાર્યરત હતી, પરંતુ અચાનક તેને શહેરના વિવિધ વિસ્તારોમાં ખસેડી દેવામાં આવી છે. આ ફેરફાર અંગે સામાન્ય નાગરિકો કે અરજદારોને કોઈ લેખિત સૂચના કે માહિતી બોર્ડ લગાવવામાં આવ્યું નથી. પરિણામે અરજદારો પહેલા જૂની જિલ્લા પંચાયત કચેરીએ પહોંચે છે અને ત્યારબાદ સાચી કચેરી શોધવામાં તેમને આખો દિવસ વેડફવો પડે છે. વહેલી સવારથી પાલનપુર પહોંચતા અરજદારોને કચેરીઓ ક્યાં ખસેડાઈ છે તેની જાણ ન હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વૃદ્ધો, મહિલાઓ અને દૂરથી આવેલા લોકો માટે આ સ્થિતિ વધુ મુશ્કેલ બની છે.
જિલ્લા પંચાયતના અધિકારીઓએ જણાવ્યું કે, મકાન જર્જરિત હાલતમાં હોવાથી સુરક્ષાના કારણોસર કચેરીઓ ખસેડવાની પ્રક્રિયા તાત્કાલિક હાથ ધરવામાં આવી છે. અમુક કચેરીઓ ખસેડાઈ ગઈ છે અને બાકીની પ્રક્રિયામાં છે. નવા બિલ્ડીંગની મંજૂરી મળતાં જ નવી જિલ્લા પંચાયતનું નિર્માણ શરૂ કરવામાં આવશે. ત્યાં સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં કચેરીઓ કાર્યરત રહેશે. જોકે, એક તરફ તંત્ર સુરક્ષાના કારણો બતાવે છે, તો બીજી તરફ માહિતીના અભાવે અરજદારો પરેશાન છે. કોઈ હોનારત સર્જાય તે પહેલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને કચેરીઓ ખસેડી લેવામાં આવી તે યોગ્ય અને પ્રશંસનિય નિર્ણય છે. જોકે, તેની સાથે-સાથે બનાસકાંઠાના છેવાડાના વિસ્તારથી આવતા અરજદારોને પણ તેની જાણકારી સરળતાથી મળી રહે તની વ્યવસ્થા પણ કરવી જરૂરી છે.
આ મુદ્દે સ્થાનિક અરજદારો અને સમાજસેવીઓએ તંત્રને અપીલ કરી છે કે, વહેલી તકે જાહેર સૂચનાઓ, માહિતી બોર્ડ કે હેલ્પ ડેસ્ક શરૂ કરી લોકોની મુશ્કેલી દૂર કરવામાં આવે. બનાસકાંઠા જેવા વિશાળ જિલ્લામાં આવા ફેરફારોમાં પારદર્શિતા અને જાહેર માહિતીનું મહત્વ વધુ છે, જેથી દૂરના તાલુકાઓમાંથી આવતા લોકોને અનાવશ્યક હાલાકી ન થાય. હવે જોવાનું રહેશે કે તંત્ર આ મુદ્દે કેટલી તાત્કાલિક કાર્યવાહી કરે છે.
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
