<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

અમદાવાદમાં શેરબજારમાં રોકાણના બહાને 2.19 કરોડની છેતરપીંડી:બે આરોપીઓની ધરપકડ

આરોપીઓ રોકાણકારોને વિશ્વાસમાં લેવા માટે શેરબજારના ખોટા સર્ટિફિકેટ બનાવી આપતા: નકલી સર્ટિફિકેટમાં તેઓ ઊંચો અને આકર્ષક નફો દર્શાવતા હતા

અમદાવાદમાં રોકાણના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનારા બે આરોપીઓની સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં આરોપીઓએ ભોગ બનનારને શેરબજારમાં રોકાણ કરાવવાના બહાને 2.19 કરોડ રૂપિયાની માતબર રકમની ઠગાઈ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આરોપીઓ રોકાણકારોને વિશ્વાસમાં લેવા માટે શેરબજારના ખોટા સર્ટિફિકેટ બનાવી આપતા હતા. આ નકલી સર્ટિફિકેટમાં તેઓ ઊંચો અને આકર્ષક નફો દર્શાવતા હતા, જેના કારણે રોકાણકારોને વિશ્વાસ બેસી જતો કે તેમનું રોકાણ સુરક્ષિત છે અને તેઓ મોટી કમાણી કરી રહ્યા છે. આ રીતે, ખોટા દસ્તાવેજોના આધારે વિશ્વાસ કેળવીને આરોપીઓએ લાખો રૂપિયાની છેતરપિંડીને અંજામ આપ્યો હતો.

 

સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે આ મામલે ઝડપી કાર્યવાહી કરીને મુખ્ય બે આરોપીઓ, નીતિન જાદવ અને બકુલ મકવાણાની ધરપકડ કરી છે.તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે મુખ્ય આરોપી નીતિન જાદવ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો અને તેની અગાઉ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પણ ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે પકડાયેલા બંને આરોપીઓના બેન્ક એકાઉન્ટ અને અન્ય નાણાંકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓના એકાઉન્ટની તપાસમાં આ સિવાયના અન્ય ગુનાઓ અને છેતરપિંડીના ભેદ ખૂલે તેવી શક્યતા છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની આ કાર્યવાહી સાયબર અને નાણાંકીય ગુનાઓ પર કડક અંકુશ મેળવવાનો સંકેત આપે છે.

(8:26 PM IST)