તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 14th December 2025
વડોદરામાં સાડી ગૌરવ રનઃ ૪ હજારથી વધુ મહિલાઓએ વિવિધ રંગોની સાડીઓમાં દોડ લગાવી
સિનિયર સીટીઝન અને દિવ્યાંગ મહિલાઓ પણ આ મેરેથોનમાં જોડાઇઃ મેરેથોનમાં ભાગ લેનાર એક મહિલાએ કહ્યું જો નારી સાડીમાં દોડેતો તે કંઇપણ કરી શકે, સાડીમાં દોડ શકય છે અને અમે મહિલા સશકિતકરણનો સંદેશ આપી શકાય છે

વડોદરાઃ ઇન્ટરનેશનલ મેરેથોનના ભાગરૂપે આજે વડોદરા શહેરમાં સાડી ગૌરવ રનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ઐતિહાસિક કીર્તિ સ્તંભ ખાતેથી શરૂ થયેલી આ વિશેષ દોડમાં વડોદરાની 4,000થી વધુ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ રંગોની અને શૈલીઓની સાડીઓમાં સજ્જ બહેનોએ દોડ લગાવતા શહેરના મુખ્ય માર્ગો પર રંગબેરંગી અને મનમોહક દૃશ્યો સર્જાયા હતા.
3 કિલોમીટર લાંબી આ સાડી ગૌરવ રનનો પ્રારંભ અને સમાપન કીર્તિ સ્તંભ(Kirti Stambh) ખાતે જ કરવામાં આવ્યો હતો. દોડ દરમિયાન કીર્તિ સ્તંભ, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા, ભગતસિંહ ચોક, મ્યુઝિક કોલેજ રોડ, દાંડિયા બજાર ચાર રસ્તા, અકોટા બ્રિજ ચાર રસ્તા અને પેલેસ ગેટ જેવા વિસ્તારોમાંથી પસાર થતાં માર્ગો પર લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ રનમાં જોડાયેલી તમામ મહિલાઓએ પોતાની ફિટનેસ(Fitness) માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી.
આ ગૌરવ રન થકી ભારતીય પરંપરા, મહિલા સશક્તિકરણ અને આરોગ્યપ્રદ જીવનશૈલીનો સંદેશો વિશ્વ સમક્ષ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુવતીઓથી લઈને સિનિયર સિટીઝન મહિલાઓ સુધી વિવિધ વયજૂથની બહેનો આ દોડમાં સામેલ થઈ હતી. ખાસ વાત એ હતી કે દિવ્યાંગ મહિલાઓ પણ વ્હીલચેર પર આ રનમાં જોડાઈ, સૌ માટે પ્રેરણારૂપ બની હતી.
આ કાર્યક્રમમાં રાજમાતા શુભાંગીનીદેવી ગાયકવાડ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને વડોદરા શહેરના એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓની મહિલાઓએ પણ ભાગ લીધો હતો, જેમાં અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની મહિલાઓની વિશેષ હાજરી નોંધપાત્ર રહી હતી. દોડ પૂર્ણ કરનાર તમામ મહિલાઓને મેડલ અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવી હતી.
વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીને જણાવ્યું હતું કે, “સાડી ભારતીય નારીની ઓળખ, પરંપરા અને સંસ્કૃતિનું પ્રતીક છે. સાડી પહેરેલી નારી આત્મવિશ્વાસ અને આત્મશક્તિનો અનુભવ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘ફિટ ઇન્ડિયા’ અને ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા પરંપરા સાથે આગળ વધતી ભારતીય નારીનું આ સુંદર ઉદાહરણ છે.”
સાડી ગૌરવ રનમાં ભાગ લેનાર હેલી પંડ્યાએ જણાવ્યું હતું કે, “જો નારી સાડીમાં દોડે તો તે કંઈ પણ કરી શકે. આજે અમે સાબિત કર્યું છે કે સાડીમાં પણ દોડ શક્ય છે અને મહિલા સશક્તિકરણનો સશક્ત સંદેશો આપી શકાય છે.”
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
