તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 11th December 2025
તારાપુર નજીક ઇસરવાડા ગામ પાસે ખનન માફિયાઓએ ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો કર્યો : ખળભળાટ
ટીમે ગેરકાયદેસર કપચી ભરેલા 8 ડમ્પરો જપ્ત કર્યા :પિતા-પુત્ર સામે ફરજમાં રૂકાવટ અને હુમલો કરવા બદલ ગુનો નોંધાયો

આણંદ જિલ્લાના તારાપુર નજીકના ઇસરવાડા ગામ પાસે ગેરકાયદેસર ખનન માફિયાઓએ ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો કર્યો હતો. ટીમે ગેરકાયદેસર કપચી ભરેલા 8 ડમ્પરો જપ્ત કર્યા હતા, જે પોલીસે પોલીસ સ્ટેશન લઈ જતી વખતે આ હુમલો કરાયો હતો. ઘટનામાં પિતા-પુત્ર સામે ફરજમાં રૂકાવટ અને હુમલો કરવા બદલ ગુનો નોંધાયો છે.
ખાણ ખનીજ વિભાગને મળેલી માહિતી અનુસાર, ફતેપુરા પાસે રોહિણી ગામ તરફ બ્લેક ટ્રેપ (કપચી) ગેરકાયદેસર પરિવહન થઈ રહ્યું હતું. રોયલ્ટી ઇન્સ્પેક્ટર પરાગભાઈ વીરડીયાની આગેવાની હેઠળની ટીમે વોચ ગોઠવી અને 8 ડમ્પરોને અટકાવીને તપાસ કરી. તપાસમાં માલુમ પડ્યું કે ચાલકો પાસે કપચી વહન માટે જરૂરી રોયલ્ટી પાસ નહોતો.
જ્યારે ટીમ આ તમામ ડમ્પરોને તારાપુર પોલીસ મથકે લઈ જતી હતી, ત્યારે ઇસરવાડા ઓવરબ્રિજ પાસેથી પસાર થતી GJ 23 AW 8504 કારમાં આવેલા ઘનશ્યામસિંહ ઝાલા અને તેમના પુત્ર પ્રદિપસિંહ ઝાલાએ ડમ્પરને રોકી ચાલકને ઉતરવાનો આદેશ આપ્યો. જ્યારે ખાણ ખનીજ વિભાગના વિજયભાઈ તળપદાએ ઘટના રેકોર્ડિંગ શરૂ કર્યું, હુમલાખોરોએ તેમને ધક્કો માર્યો અને વીડિયોગ્રાફી અટકાવી ફરજમાં અવરોધ ઉભો કર્યો. પોલીસ ઘટના સ્થળે પહોંચતાં પહેલાં જ આરોપીઓ ફરાર થઈ ગયા.
ખાણ ખનીજ વિભાગે બ્લેક ટ્રેપ અને 2 કરોડ રૂપિયાના વાહનો સહિત કુલ 2.10 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો છે. રોયલ્ટી ઇન્સ્પેક્ટર પરાગભાઈ વીરડીયા દ્વારા દાખલ ફરિયાદના આધારે તારાપુર પોલીસે ઘનશ્યામસિંહ ઝાલા અને પ્રદિપસિંહ ઝાલા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
