<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

"ધુરંધર" ફિલ્મમાં બલોચ સમાજ વિશે નિમ્ન કક્ષાનો ડાયલોગ પ્રદર્શિત કરાતા સમગ્ર ગુજરાતમાં ઉગ્ર વિરોધની આંધી: જબરો રોષ

ગુજરાત બ્લોચ મકરાણી સમાજના પ્રમુખ જહાંગીર બ્લોચ તથા જૂનાગઢ બ્લોચ મકરાણી સમાજના પ્રમુખ એજાઝ મકરાણી આકરા પાણીએ: રાજ્યભરમાં ગામે ગામ આવેદનપત્રો, કાયદાકીય અહિંસક લડતનુ આહવાન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર: તાજેતરમાં રિલીઝ થયેલી "ધુરંધર" ફિલ્મમાં બલોચ સમાજ વિશે નિમ્ન કક્ષાનો ડાયલોગ પ્રદર્શિત કરાતા સમગ્ર ગુજરાતમાં બ્લોચ મકરાણી સમાજમાં ઉગ્ર વિરોધની આંધી વ્યાપી છે. સાર્વત્રિક જબરો રોષ જોવા મળી રહ્યો છે.
ગુજરાત બ્લોચ મકરાણી સમાજના પ્રમુખ જહાંગીર બ્લોચ (રિટાયર્ડ નાયબ મામલતદાર) તથા જૂનાગઢ બ્લોચ મકરાણી સમાજના પ્રમુખ એજાઝ મકરાણી (એડવોકેટ) આકરા પાણીએ છે અને રાજ્યભરમાં ગામે ગામ આવેદનપત્રો, કાયદાકીય અહિંસક લડતનુ સમાજને આહવાન કર્યું છે.
'ધુરંધર' ફિલ્મ સામે ગુજરાતમાં વિરોધની ચિનગારી ઊઠી છે. સમગ્ર ગુજરાત-સૌરાષ્ટ્ર-સોરઠનો બલોચ મકરાણી સમાજ આકરાપાણીએ છે. ફિલ્મ પર પ્રતિબંધની માગ સાથે હાઇકોર્ટમાં જવાની આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'ધુરંધર'માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને બલોચ મકરાણી સમાજમાં તીવ્ર રોષ ફેલાયો છે. ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત દ્વારા બોલવામાં આવેલા એક સંવાદ પર સમાજે સખત વાંધો ઉઠાવ્યો છે.
જૂનાગઢ બલોચ મકરાણી સમાજના પ્રમુખ અને એડવોકેટ એજાજ મકરાણીએ આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફિલ્મનાં અભિનેતા, ડાયલોગ રાઇટર અને ડિરેક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી કરી છે. સમાજનું કહેવું છે કે આ પ્રકારના નિમ્ન કક્ષાના ડાયલોગ્સથી તેમની સામાજિક લાગણી દુભાઈ છે અને સમાજનું અપમાન થયું છે.
બલોચ સમાજ દ્વારા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી અરજીમાં મુખ્યત્વે એક ડાયલોગ પર ધ્યાન દોરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે: "હંમેશાં બોલતા હું બડે સાબ મગરમચ્છ પે ભરોસા કર સકતે હૈ મગર બલોચ પે નહીં."
'માત્ર પૈસાની કમાણી કરવા માટે ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરવામાં આવી છે' મકરાણી બ્લોચ સમાજના પ્રમુખ એજાજ મકરાણીએ જણાવ્યું હતું કે આ ટિપ્પણી સીધી રીતે બલોચ મકરાણી સમાજને નિશાન બનાવીને કરવામાં આવી છે અને તેનાથી સમાજની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે.જેથી દશ દિવસમાં યોગ્ય કાર્યવાહી ન થાય તો હાઇકોર્ટ જવાની ચીમકી ઉચ્ચારી છે. આ પ્રકરણના વિરોધના ભાગરૂપે, જૂનાગઢ બલોચ મકરાણી સમાજના આગેવાનોએ નિર્ણય લીધો છે કે તેઓ જિલ્લા કક્ષાએ આવેદનપત્ર પાઠવશે. પ્રમુખ એજાજ મકરાણીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આગામી દસ દિવસની અંદર આ મામલે યોગ્ય અને સંતોષકારક કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો બલોચ મકરાણી સમાજ સમગ્ર મામલાને લઈને ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવશે અને ન્યાય માટે લડત આપશે. તેમનું માનવું છે કે જો આવા અભદ્ર વર્તન કરનારા કલાકારો, દિગ્દર્શકો અને સ્ક્રીપ્ટ રાઇટરોને રોકવામાં નહીં આવે, તો ભવિષ્યમાં અન્ય સમાજોની લાગણીઓ પણ દુભાવવાનું ચાલુ રહેશે, જેનાથી દેશભરમાં સામાજિક તંગદિલી ભર્યું વાતાવરણ ઊભું થઈ શકે છે.
ગુજરાતમાં આઠ લાખથી વધુ બલોચ કરે છે વસવાટ કરે છે. બલોચ મકરાણી સમાજ મૂળભૂત રીતે બલૂચિસ્તાનના મકરાણ પ્રદેશમાંથી ભારત આવ્યા છે અને આજે ભારતભરના અલગ અલગ વિસ્તારોમાં તેમની વસ્તી ઘણી છે. જૂનાગઢ જિલ્લામાં આશરે ૨૫ હજારથી વધુ અને સમગ્ર ગુજરાતમાં આઠ લાખથી વધુ બલોચ મકરાણીઓ વસે છે. ભારતભરમાં તેમની વસ્તી દોઢ કરોડથી પણ વધુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં જૂનાગઢ, ભાવનગર, કચ્છ, જામનગર, ગીર સોમનાથ, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત અનેક શહેરોમાં આ સમાજની મોટી વસ્તી વસવાટ કરે છે. આટલી મોટી વસ્તી ધરાવતા અને શાંતિપૂર્ણ રીતે વસતા સમાજની લાગણીને માત્ર કમાણી માટે દુભાવવામાં આવી હોવાથી સમગ્ર સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. એડવોકેટ એજાજ મકરાણીએ વધુમાં જણાવ્યું હતું કે ફિલ્મમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરી એક ચોક્કસ સમાજને જે રીતે ટાર્ગેટ કરવામાં આવ્યો છે તે સખત રીતે વખોડવાલાયક છે. તેમણે વિનંતી કરી છે કે વહેલી તકે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને આવા સંવાદોને ફિલ્મમાંથી તાત્કાલિક દૂર કરવામાં આવે, અન્યથા સમાજ પોતાની માન-મર્યાદાના રક્ષણ માટે કોર્ટના તમામ પગલાં ભરવા માટે તૈયાર છે.
દરમિયાન સૌરાષ્ટ્ર મકરાણી સમાજના વોટ્સએપ ગ્રુપમાં જાહેર કર્યા મુજબ CBFC Board helpdesk સાથે "ધુરંધર" ફિલ્મ રિલીઝ બાબતે એડવોકેટ યાસીનખાન બલોચે વાંધા બાબતે ટેલિફોનિક ચર્ચા કરી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન ( CBFC ) એ ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં એક વૈધાનિક ફિલ્મ-પ્રમાણપત્ર સંસ્થા છે. Cbfc Administration officer Govind Mishra સાથે પણ "ધુરંધર" ફિલ્મ રિલીઝ બાબતે એડવોકેટ યાસીનખાન બલોચે ચર્ચા કરી હતી.

(5:57 PM IST)