<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

સુરતના પ્રવત પાટિયા વિસ્તારમાં રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ: 20થી વધુ દુકાનો ઝપેટમાં

સુરત શહેરના 9 ફાયર સ્ટેશનોની 15 ગાડીઓનો મોટો કાફલો આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયો

સુરતના પ્રવત પાટિયા વિસ્તારમાં આવેલી જાણીતી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. આગની ગંભીરતાને જોતાં સુરત ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે અને યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

 

પ્રાથમિક માહિતી અનુસાર, આગની શરૂઆત માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી લિફ્ટમાં થઈ હતી. ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો જથ્થો વધુ હોવાથી આગ ઝડપથી ફેલાઈ અને ગ્રાઉન્ડ ફ્લોરથી સાતમા માળ સુધી પહોંચી ગઈ હતી. આ ભીષણ આગના કારણે માર્કેટની 20થી વધુ દુકાનો તેની ઝપેટમાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

 

સુરત શહેરના 9 ફાયર સ્ટેશનોની 15 ગાડીઓનો મોટો કાફલો આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયેલો છે. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કાપડના કારણે આગ વધુ ઝડપથી પ્રસરી રહી છે, પરંતુ તેને અન્ય માળ કે દુકાનોમાં ફેલાતી અટકાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી, પરંતુ વેપારીઓને મોટા આર્થિક નુકસાનની ભીતિ છે.

(11:46 AM IST)