<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

ગુજરાતમાં આવકવેરા વિભાગનો સપાટોઃ અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં મોટી કાર્યવાહી

ટેકસટાઈલ, રિયલ એસ્‍ટેટ કેમિકલ અને અન્‍ય ઉદ્યોગો સાથે સંકળાયેલા વિનોદ મિતલ સહિત ૨૫ સ્‍થળોએ તપાસ ચાલુઃ ભારે ફફડાટ : આગામી ૨ થી ૩ દિવસ સુધી કાર્યવાહી ચાલે તેવી શકયતાઃ અધિકારીઓએ બેંક લોકર અને બેંક ખાતાઓની વિગતો મેળવી

રાજકોટ, તા.૯: આવકવેરા વિભાગે આજે વહેલી સવારથી અમદાવાદ અને ગુજરાતના અન્‍ય મોટા શહેરોમાં દરોડાનો દોર શરૂ કર્યો છે. ટેકસટાઇલ, રિયલ એસ્‍ટેટ, કેમિકલ અને અન્‍ય ઉદ્યોગો સાથે સંકળાયેલા શ્રી વિનોદ મિત્તલ સહિત મોટા જૂથો પર ૧૫૦થી વધુ અધિકારીઓની ટીમે તપાસ આદરી છે, જેના કારણે ભારે ફફડાટ ફેલાયો છે.

ગુજરાતમાં ફરી એકવાર આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વહેલી સવારથી જ આવકવેરા વિભાગની અલગ-અલગ ટીમોએ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મુખ્‍ય શહેરોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ કાર્યવાહીમાં આવકવેરા વિભાગના ૧૫૦થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હોવાની માહિતી મળી છે. દરોડા દરમિયાન કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે પોલીસના ચુસ્‍ત બંદોબસ્‍ત સાથે આ કામગીરી કરવામાં આવી રહી છે.

કયા સેક્‍ટર રડાર પર? સૂત્રોના જણાવ્‍યા મુજબ, આ મેગા ઓપરેશનમાં મુખ્‍યત્‍વે રિયલ એસ્‍ટેટ (બિલ્‍ડર લોબી), ટેકસટાઇલ, કેમિકલ ઉદ્યોગ અને ફાઇનાન્‍સ સાથે સંકળાયેલા મોટા માથાઓને નિશાન બનાવવામાં આવ્‍યા છે.

અમદાવાદના એસ.જી. હાઈવે, સિંધુભવન રોડ અને સાયન્‍સ સિટી વિસ્‍તારમાં આવેલા નામાંકિત બિલ્‍ડર જૂથોની ઓફિસ અને રહેણાંક સ્‍થળો પર તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત સુરત અને રાજકોટના ઔદ્યોગિક વિસ્‍તારોમાં પણ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

પ્રાથમિક તપાસમાં મોટાપાયે બિનહિસાબી વ્‍યવહારો મળી આવવાની શકયતા છે.

અધિકારીઓએ દરોડા દરમિયાન લેપટોપ, મોબાઈલ ફોન, હાર્ડ ડિસ્‍ક અને કાચી ચિઠ્ઠીઓ જેવા મહત્‍વના પુરાવાઓ જપ્ત કર્યા છે. કરોડો રૂપિયાની કરચોરી બહાર આવે તેવી શકયતા સેવાઈ રહી છે. ખાસ કરીને જમીન-મકાનના સોદાઓમાં રોકડ વ્‍યવહારો અને બોગસ બિલિંગને લગતી વિગતો પણ તપાસવામાં આવી રહી છે.

એક સાથે અનેક શહેરોમાં ૨૫થી વધુ સ્‍થળો પર દરોડા પડતા ઉદ્યોગજગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ ઓપરેશન આગામી ૨થી ૩ દિવસ સુધી ચાલે તેવી શકયતા છે અને તપાસના અંતે મોટી રકમની અઘોષિત આવક પકડાય તેવો અંદાજ છે.

 હાલમાં અધિકારીઓ બેંક લોકર અને બેંક ખાતાઓની વિગતો મેળવી રહ્યા છે.

(2:43 PM IST)