<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

રાજકોટની-૪ સહિત આજે પણ ગુજરાતમાં ઇન્‍ડિગોની ૨૬ ફલાઇટ રદઃ અમદાવાદની ૧૮ કેન્‍સલ

રાજકોટથી- મુંબઇ- ગોવા- હૈદરાબાદ- બેંગ્‍લોરની ફલાઇટ રદઃ મુસાફરોમાં પ્રચંડ રોષ....

 

રાજકોટ તા.૮: પાઇલટ્‍સ અને ક્રૂ-મેમ્‍બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્‍ડિગોની કટોકટી વધૂ ઘેરી બની છે, આજે છઠ્ઠા દિવસે ગુજરાતમાં ઈન્‍ડિગોની ૨૬ ફ્‌લાઈટ કેન્‍સલ થઈ છે, રાત્રિના ૧૨થી સવારના ૯ વાગ્‍યા સુધીમાં અમદાવાદની ૧૮, રાજકોટની ૪, સુરતની ૩ અને વડોદરાની ૧ ફ્‌લાઈટ રદ થવાની માહિતી છે. મુસાફરોને પડતી મુશ્‍કેલીને ધ્‍યાને રાખીને રેલવે દ્વારા મોટા શહેરો જેમ કે, મુંબઈ, દિલ્‍હી, પુણે, હાવડા, હૈદરાબાદ સહિતમાં વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદ એરપોર્ટ પર ટ્રેનનું બુકિંગ કરવા માટે RCTCનું કાઉન્‍ટર પણ ખોલવામાં આવ્‍યુ છે.

અમદાવાદ એરપોર્ટ પરથી મળતી માહિતી મુજબ, આજે ૯ વાગ્‍યા સુધીમાં ઇન્‍ડિગોની ૧૮ ફ્‌લાઇટ કેન્‍સલ થઈ છે. જેમાં નવ આવતી અને નવ જતી ફ્‌લાઇટ કેન્‍સલ કરવામાં આવી છે. જ્‍યારે અમદાવાદ એરપોર્ટની વેબસાઈટ પર આજની દિવસભરની કુલ ૪૪ ફ્‌લાઇટ કેન્‍સલ કરવામાં આવી છે.

 હિરાસરથી ઉડાન ભરતી આઠમાંથી ચાર ફ્‌લાઈટ રદ

હિરાસર ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્‍ડિગો એર લાઇન્‍સની આજની રાજકોટથી મુંબઈ, ગોવા, હૈદરાબાદ, બેંગ્‍લોરની ફ્‌લાઈટ રદ થતા મુસાફરોમાં ભારે રોષ છે. શુક્રવારે રાજકોટ એરપોર્ટ પરથી ઈન્‍ડિગોની તમામ ૮ ફ્‌લાઈટ રદ થઈ હતી. શનિવારે ૮માંથી એક ફ્‌લાઈટ રદ થઈ હતી. રવિવારે ૯માંથી ૫ ફ્‌લાઈટ કેન્‍સલ થઈ હતી તો આજે ૮ ડિસેમ્‍બરના ૮માંથી ૪ ફ્‌લાઇટ રદ થતા મુસાફરોનો ગુસ્‍સો સાતમા આસમાને છે.

ઈન્‍ડિગો એર લાઇન્‍સના સૂત્રોના જણાવ્‍યા અનુસાર, ૮ ડિસેમ્‍બરની રાજકોટ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પરથી ગોવાની ૧૨.૦૫ વાગ્‍યાની અને રાજકોટથી દિલ્‍હીની સાંજે ૫:૫૫ની ફ્‌લાઈટ આજે એકાએક રદ જાહેર થઈ છે. જ્‍યારે રાજકોટથી હૈદરાબાદની ૩-૫૫ વાગ્‍યાની તો મુંબઈની ૪:૫૫ ની ફ્‌લાઈટ કેન્‍સલ કરવામાં આવી છે. ઓપરેશનલ રિઝનના કારણે મુશ્‍કેલી ઉભી થઈ છે, જેમાં પાયલોટની સીક લિવ અને સ્‍ટાફની અછત કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

જે ફલાઇટ રાજકોટથી ચાલૂ રહી તેમાં રાજકોટ-મુંબઈ-રાજકોટ, રાજકોટ-મુંબઈ-રાજકોટ, રાજકોટ-દિલ્‍હી-રાજકોટ, રાજકોટ-બેંગ્‍લોર-રાજકોટનો સમાવેશ થાય છે.(૨.૧૫)

(2:26 PM IST)