તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 7th December 2025
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ ગેરકાયદે બાંધકામોના મુદ્દે સત્તાધીશો સમક્ષ આક્રમક રજૂઆત : ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ સામે કડક પગલાં લેવાની ઉગ્ર માંગ કરી
ફરી ચણાયેલા આ ગેરકાયદે બાંધકામોની SMCના આકારણી ચોપડે નોંધણી પણ થઈ ગઈ છે, જે તંત્રની બેદરકારી અથવા મિલીભગત સૂચવે છે : કમિશનરે તુરંત જ દરેક ઝોનલ ચીફને દાખલારૂપ કામગીરી કરવા અને ગેરકાયદે બાંધકામો તથા તેમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવા તાકીદની સૂચનાઓ આપી

સુરત તા.૭ : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ ગેરકાયદે બાંધકામોના મુદ્દે સત્તાધીશો સમક્ષ આક્રમક રજૂઆત કરી હતી. રાણાએ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ સામે કડક પગલાં લેવાની ઉગ્ર માંગ કરી હતી.
અધિકારીઓ સામે કડક પગલાં લેવાની MLA અરવિંદ રાણાએ કરી માંગ
ગેરકાયદે બાંધકામોને પ્રોત્સાહન આપવા અથવા આંખ આડા કાન કરનારા કર્મચારીઓ અને અધિકારીઓ સામે પગલાં લેવા માટે રાણાએ માંગણી કરી હતી. તેમણે ગંભીર આક્ષેપ કર્યો હતો કે જે મિલકતોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું, તેના પર ફરીથી ગેરકાયદે બાંધકામો ચણી દેવાયા છે.
MLA અરવિંદ રાણાએ સૌથી ચોંકાવનારો આક્ષેપએ કર્યો હતો કે ફરી ચણાયેલા આ ગેરકાયદે બાંધકામોની SMCના આકારણી ચોપડે નોંધણી પણ થઈ ગઈ છે, જે તંત્રની બેદરકારી અથવા મિલીભગત સૂચવે છે. આ ઉપરાંત, ધારાસભ્ય રાણાએ ચૌટા વિસ્તારમાં વાહનોના પ્રવેશ પર કાયમી ધોરણે પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી હતી, જેથી ટ્રાફિકની સમસ્યા હળવી થઈ શકે.
કમિશનરનો આદેશ
ધારાસભ્યની ઉગ્ર રજૂઆત અને ગંભીર આક્ષેપો બાદ મનપા કમિશનરે આ મામલાને ગંભીરતાથી લીધો છે. કમિશનરે તુરંત જ દરેક ઝોનલ ચીફને દાખલારૂપ કામગીરી કરવા અને ગેરકાયદે બાંધકામો તથા તેમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે તાકીદની સૂચનાઓ આપી દીધી છે.
અરવિંદ રાણા, જે અગાઉ RTI એક્ટિવિસ્ટો પર સકંજો કસવા બદલ ચર્ચામાં રહ્યા હતા, તેમણે ફરી એકવાર આ મહત્વના મુદ્દાને ઉઠાવીને શહેરમાં ચાલી રહેલા ગેરકાયદે બાંધકામોના નેટવર્ક પર પ્રકાશ પાડ્યો છે અને મનપા તંત્રને કડક કાર્યવાહી કરવા માટે ફરજ પાડી છે.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
