<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ પર આનંદીબેન પટેલનું સ્પષ્ટ નિવેદન: 'યુનિવર્સિટીઓમાં અપાતી ડિગ્રીઓ ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગઈ છે'

ગુજરાત વિદ્યાપીઠના દીક્ષાંત સમારોહમાં UPના રાજ્યપાલના આકરા પ્રહાર: ડિગ્રી-માર્કશીટમાં ભ્રષ્ટાચાર, આલિશાન બિલ્ડિંગો પર કરોડોની ગ્રાન્ટનો વેડફાટ અને શિક્ષકોની ખાલી જગ્યાઓ પર સવાલ ઉઠાવ્યા.

અમદાવાદ :  ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શુક્રવારે ગુજરાત વિદ્યાપીઠના ૧૦૪મા દીક્ષાંત સમારોહમાં શિક્ષણ જગતની ગંભીર ખામીઓ પર બેધડક અને સીધા આકરા પ્રહારો કર્યા હતા. તેમણે યુનિવર્સિટીઓને "ભ્રષ્ટાચારનું કેન્દ્ર" ગણાવતાં સ્પષ્ટ કહ્યું કે, "આજે યુનિવર્સિટીમાં અપાતી ડિગ્રીઓ ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગઈ છે." તેમણે પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળનો અનુભવ ટાંકીને જણાવ્યું હતું કે, જ્યારે ડિગ્રીઓ ભૌતિક સ્વરૂપે આપવાને બદલે DigiLockerમાં સબમિટ કરવાની વ્યવસ્થા શરૂ કરી, ત્યારે એક જ વર્ષમાં ડિગ્રી-માર્કશીટમાં થતો ભ્રષ્ટાચાર લગભગ ખતમ થઈ ગયો હતો, જે ટેક્નોલોજીના ઉપયોગથી પારદર્શિતા લાવવાનો માર્ગ દર્શાવે છે.

આનંદીબેન પટેલે શિક્ષણ વ્યવસ્થાના વણઉકેલાયેલા વિરોધાભાસ પર આંગળી ચીંધી હતી. તેમણે કહ્યું કે, જ્યાંથી બાળકનું પાયાનું શિક્ષણ શરૂ થાય છે, તે આંગણવાડીઓને આજે પણ પાકા મકાનો નથી, પીવાનું પાણી નથી કે શૌચાલય નથી, પરંતુ યુનિવર્સિટીઓને કરોડો-કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે આ કરોડો રૂપિયા ખરેખર ક્યાં જાય છે? જવાબમાં તેમણે જ યુનિવર્સિટીઓની હકીકત ઉઘાડી પાડતાં કહ્યું કે, મોટા ભાગના પૈસા આલિશાન બિલ્ડિંગો બનાવવામાં, ગેટ બનાવવામાં અને દિવાલો રંગવામાં વપરાય છે, જ્યારે વિદ્યાર્થીઓને લાયબ્રેરી, લેબોરેટરી કે શિક્ષકોને સંશોધન માટે ફંડ મળતું નથી.

રાજ્યપાલે યુનિવર્સિટીઓના વહીવટ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, "ઘણી યુનિવર્સિટીઓમાં ૪૦૦-૫૦૦ શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય છે, પણ સૌથી પહેલાં વાઇસ-ચાન્સેલર, પ્રો-વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રારની નિમણૂક થઈ જાય છે. શિક્ષકોની ભરતી છેલ્લે થાય છે. આ કઈ રીતે શિક્ષણની ગુણવત્તા વધારશે?" તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જો ખરેખર શિક્ષણમાં ક્રાંતિ લાવવી હોય તો પારદર્શિતા, જવાબદારી અને ટેક્નોલોજીનો સ્વીકાર કરવો અનિવાર્ય છે. આનંદીબેન પટેલની આ ખુલ્લી અને સ્પષ્ટ ટીકા બાદ ગુજરાત સહિત સમગ્ર શિક્ષણ જગતમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.

(3:37 PM IST)