<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

વલસાડના ઉમરસાડી ગામે આવેલી બી.એન. ઈન્ડસ્ટ્રીઝના યુનિટ-2 માં ભીષણ આગ લાગતા મેજર કોલ જાહેર કરાયો

એલ્યુમિનિયમ પાવડર બનાવતી કંપનીમાં 7 કલાકથી આગ બેકાબૂ: કલાકોથી ફાયર ફાઈટરો કામે લાગ્યા :મામલતદારના મતે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવતા વધુ 5 કલાક લાગશે: ભારે નુકસાનની આશંકા

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ઉમરસાડી ગામે આવેલી બી.એન ઈન્ડસ્ટ્રીઝ (B.N. Industries)ના યુનિટ-2 માં આજે  સવારે ભીષણ આગ(Massive fire) લાગતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે. કંપનીમાં લાગેલી આગ એટલી વિકરાળ છે કે તંત્ર દ્વારા તેને મેજર કોલ જાહેર કરવાની ફરજ પડી છે. 7 કલાકથી વધુ સમય વીતી જવા છતાં આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, અને આગામી 5 કલાક સુધી કામગીરી ચાલુ રહેવાનો અંદાજ છે. કોઈ જાનહાનિ થઈ નથી.

મળતી જાણકારી અનુસાર પારડી તાલુકાના ઉમરસાડી ગામ નજીક આવેલી બી.એન. ઈન્ડસ્ટ્રીઝ યુનિટ-2 એલ્યુમિનિયમના ટીનને ક્રશ કરીને તેનો પાવડર બનાવવાનું કામ કરે છે. પ્રાથમિક માહિતી મુજબ, આ પાવડરમાં આગ પકડી લેતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. પાવડરની હાજરીને કારણે આગ વધુ વિકરાળ બની રહી છે, જેના પરિણામે ફાયર ફાઈટરોને આગ ઓલવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

 

ઘટનાની ગંભીરતા જોતા જિલ્લાના તમામ ફાયર ફાઈટરોને તાત્કાલિક અસરથી કંપનીના સ્થળે પહોંચવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. હાલમાં 8થી વધુ ફાયર ફાઈટરોની ટીમો ઘટનાસ્થળે હાજર છે અને સતત પાણીનો મારો ચલાવી રહી છે. કંપની અને આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.

(7:30 PM IST)